માનવસેવા ટ્રસ્ટ ટીંબી દ્વારા ચાલતા આરોગ્યના સેવા યજ્ઞમાં ધારીનાં પ્રેમપરામાં રહેતા આહીર પરિવાર દ્વારા એક કરોડ રૂપિયાનું દાન દર્દી નારાયણની સેવા માટે અર્પણ કરાયુ છે. કોઈપણ જાતની ઓળખાણ વગર માત્ર સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિ જોઈને વિસામણભાઈ ઢોલા અને મુકતાબેન ઢોલા તથા પુત્રો નરેશભાઈ, દિપકભાઈ અને યશવંતભાઈએ સંસ્થાની મુલાકાત કરી ભાવ વંદના સાથે એક કરોડ રૂપિયાનો ચેક માનવ સેવા ટ્રસ્ટને અર્પણ કર્યો હતો. અને સ્વામી નિર્દોષાનંદજી પ્રેરિત હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિ જોઈ રાજીપો વ્યકત કર્યો હતો. આ તકે દાતા પરિવાર સાથે આહીર સમાજનાં અગ્રણીઓ પેથાભાઈ આહીર, રઘુભાઈ હુંબલ અને અશોકભાઈ આહીર વગેરે જોડાયા હતા. સંસ્થાના પ્રમુખ હિરાભાઈ ગાંગાણી, ઉપપ્રમુખ બી.એલ. રાજપરા, ધનસુખભાઈ દેવાણી, રસીકભાઈ ભીંગરાડીયા, પરેશભાઈ ડોડીયા, ખીમજીભાઈ દેવાણી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.