વીજપડી ગામે રૂ.૬.૬૦ કરોડના ખર્ચે આરોગ્ય કેન્દ્ર મંજૂર
અમરેલી,તા.ર૭
સાવરકુંડલાનું વીજપડી ગામ તાલુકાનુ સૌથી મોટુ ગામ હોય અને ત્યાંનું વ્યાપાર કેન્દ્ર પણ મોટું હોય અને આજુબાજુના તેમજ રાજુલા તથા મહુવા તાલુકાના ગામડાઓનું ખરીદ વેચાણનું પણ કેન્દ્ર વીજપડી ગામ હોય જેને ધ્યાને લઈ ધારાસભ્ય મહેશભાઈ કસવાલાને આ ગામમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે રજૂઆતો મળતી હતી, જે ધ્યાને લઈ ધારાસભ્યએ સરકારમાં સતત રૂબરૂ અને ટેલીફોનિક તેમજ લેખિત રજૂઆતો કરતા આજુબાજુના ગામોની આરોગ્ય સુખાકારી માટે સામુહિક આરોગ્ય કેન્દ્રને તાંત્રિક મંજૂરી આપેલ છે. જે અંતર્ગત ૬.૬૦ કરોડના ખર્ચે સામુહિક આરોગ્ય કેન્દ્ર વીજપડી ગામે તૈયાર થશે ધારાસભ્ય મહેશ કસવાલાએ જણાવ્યું હતું કે, સામૂહિક આરોગ્ય કેન્દ્રથી રાજુલા અને મહુવા તાલુકાના ગામડાઓને પણ ખૂબ સારો લાભ મળશે સાથોસાથ સામૂહિક આરોગ્ય કેન્દ્ર વીજપડી ગામે બનવાથી આરોગ્યમાં પણ સુધારો થઈ શકશે. ધારાસભ્યએ વધુમાં જણાવ્યું હતું કે આ સામૂહિક આરોગ્ય કેન્દ્રનું મુખ્ય બિલ્ડીંગ જે ૩.૯૧ કરોડના ખર્ચે તૈયાર થશે તો વોટર સપ્લાય અને સેનીટરી વર્ક માટે ૭ લાખ, એક્ટરનલ ડ્રેનેજ સિસ્ટમ માટે ૬.૮૯ લાખ, ફાયર પ્રોટેક્શન વર્ક માટે ૨૭.૨૦ લાખ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટે ૨.૪૮ લાખ, પ્લાન્ટેશન વર્ક માટે ૮૦,૦૦૦, સીસી રોડ અને મેઇન એન્ટ્રી માટે ૨૦.૮૩ લાખ, કમ્પાઉન્ડ વોલ માટે ૨૦.૪૦ લાખ, એમ્બ્યુલન્સ ગેરેજ માટે ૫.૩૪ લાખ, ઈલેક્ટ્રીક વર્ક માટે ૩૮.૮૮ લાખ, એમ.જી. પી. એસ વર્ક માટે ૬.૩૨ લાખ મળી કુલ રૂપિયા ૬.૬૦ કરોડ ના ખર્ચે આ સામુહિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ થશે.