સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ ગુજરાત-સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદના કારણે ખેતીને થયેલ નુકસાનમાં ખેડૂતોને મદદ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને કૃષિ મંત્રી જીતુભાઇ વાઘાણીને પત્ર લખ્યો છે. તેમણે વધુમાં રજૂઆત કરી છે કે, અમરેલી જિલ્લામાં તાજેતરમાં ભારેથી અતિભારે કમોસમી વરસાદના કારણે તૈયાર થયેલ પાક જેવા કે મગફળી, કપાસ, ડુંગળી, કઠોળ વગેરે સદંતર નાશ પામેલ છે. જેથી ખેડૂતોને ગંભીર નુકસાન થયેલ છે. હાલ પણ આ વરસાદ ચાલુ છે. ખેડૂતોનો પાક ખેતરમાં પડેલ હતો અને તે પાકને લણવાની કામગીરી ચાલુ હોય તે દરમ્યાન અચાનક ભારેથી અતિભારે ૧૦થી વધુ ઈંચ સુધી વરસાદ પડયાના સમાચાર મળેલ છે. જેના કારણે ખેડૂતોને આંકી ન શકાય તેટલુ ગંભીર આર્થિક નુકસાન થયેલ છે જે ચિંતાજનક બાબત છે. આથી વરસાદ રોકાયા બાદ તાત્કાલિક સર્વે કરાવી યોગ્ય મદદરૂપ થવુ ખુબ જ આવશ્યક જણાય છે. ખેડૂતોને થયેલ નુકસાનનું વળતર ચૂકવવું પણ જરૂરી જણાય છે. તેમણે આ પત્રની નકલ જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ખેતીવાડી અધિકારીને મોકલી હતી.