સુરેન્દ્રનગરના ચોટીલાના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણનું વિવાદિત નિવેદન આપતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સુરેન્દ્રનગરના મુળીના ગઢડા ગામમાં એક જાહેર કાર્યક્રમમાં સ્ન્છ શામજી ચૌહાણનો અફીણના નશાને પ્રોત્સાહન આપતો વીડિયો વાયરલ થયો છે. જેમાં તે બોલી રહ્યા છે કે, “૨૦૦ નહીં પણ ૫૦૦ બંધાણીઓ એમ કહેને કે, આપણા જિલ્લામાં એકપણ ધારાસભ્યને જીતવા નહીં દઈએ જો અમને લાયસન્સ ન મળે તો.” ( અમે આ વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતા.)
આ વાયરલ વીડિયો અંગે અમારી ટીમે ચોટીલાના ધારાસભ્ય શામજી ચૌહાણ સાથે વાત કરી હતી. ત્યારે તેમણે જણાવ્યું હતું કે, “સુરેન્દ્રનગરના મુળીના તાલુકાના ગઢડા ગામે માતાજીના પ્રસંગમાં ૫૦૦થી ૬૦૦ લોકો ત્યાં હાજર હતા. આ લોકોની રજૂઆત હતી કે, અમારે ૧૦થી ૧૫ વર્ષ પહેલા પોષ ડોડવાના લાયસન્સ હતા. ત્યારથી અમારી હેલ્થ ખરાબ રહે છે. એ રિન્યુઅલ થાય તે માટે મને રજૂઆત કરી હતી. ત્યારે મેં એમને કહ્યું હતું કે, જો તમે રિન્યુઅલ થાય તે માટે આવશો તો હું તમારી સાથે આવીશ. આમાં કોઈને વ્યસન કરાવવા માટે નહીં પરંતુ વ્યસન મુક્તિનું કરીએ છીએ. લોકોના પ્રતિનિધિ તરીકે મારે એમની રજૂઆત સાંભળવી જોઈએ.”
જ્યારે ધારાસભ્યને પૂછવામાં આવ્યું કે, “તમે એકપણ જિલ્લામાંથી એકપણ બેઠક નહીં આવે જો એ પ્રકારનું દબાણ લાવશો તો તમને લાયસન્સ મળી જશે. આ તો ખોટી જ વાત છે ને.” તેના જવાબમાં તેમણે કહ્યું કે, “ના ના અમારે બેઠકની કોઈ વાત જ નથી થઈ. આ વીડિયો છે તે કટ કરીને મૂકવામાં આવ્યો છે. લોકો જે રજૂઆત કરે તેને સાંભળવી તે અમારો અધિકાર છે.”
આ સાથે તેમણે જણાવ્યુ કે, “અહીંયા ખેડૂતોની અન્ય રજૂઆત પણ હતી પરંતુ આ વીડિયો નાનો કરીને કટ કરીને મૂકવામાં આવ્યો છે. વ્યસનને ક્યારેય પ્રોત્સાહન ન આપી શકાય કોઈની હેલ્થની વાત હોય તો તેની રજૂઆત સાંભળવી જોઈએ. જો આ લોકો સરકાર પાસે રજૂઆત કરે તો મારે એમની સાથે જવું પણ પડે.”