લાઠી-બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાની રજૂઆતને પગલે, અમરેલી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવાયો છે, જેનાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જનકભાઈ તળાવીયાએ અગાઉ કલેક્ટરને પત્ર લખીને ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા અને તેને જિલ્લા સંકલન સમિતિમાં સમાવેશ કરવા વિનંતી કરી હતી. તેમની મુખ્ય રજૂઆત એ હતી કે રાજ્ય સરકારના પરિપત્ર પહેલાં રૂ.૧૦૦ની સ્ટેમ્પ ડ્‌યુટી સાથે બનેલા કુલમુખત્યારનામાને માન્ય ગણવામાં આવે. જિલ્લા સંકલન સમિતિ અને ફરિયાદ સમિતિની બેઠકમાં આ મુદ્દા પર ગંભીરતાપૂર્વક ચર્ચા થઈ હતી અને નિર્ણય લેવાયો છે કે પરિપત્રની તારીખ પહેલાંના કુલમુખત્યારનામા, જેમાં રૂ.૧૦૦ની સ્ટેમ્પ ડ્‌યુટી વાપરવામાં આવી છે, તે હવેથી માન્ય ગણાશે. આ નિર્ણયથી વીજ કનેક્શન અને અન્ય સરકારી કામો માટે ખેડૂતોને પડતી મુશ્કેલીઓ દૂર થશે. આ ઉપરાંત, સમિતિ દ્વારા નાયબ ઈજનેરને જૂના પડતર કેસોનો ઝડપી નિકાલ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે.