અમરેલી જિલ્લામાં છેલ્લા બે થી ત્રણ દિવસથી પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. આ પરિસ્થિતિને ગંભીરતાથી લેતાં લાઠી-બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ તાત્કાલિક પોતાના મતવિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોની હાલત જાણી હતી. તેમણે ઠાસા, દામનગર, ધ્રુફણીયા, ભુરખીયા, રામપર, માલવીયા પીપરીયા, કેરાળા તેમજ બાબરા તાલુકાના ગામોમાં ખેતરોમાં જઈ ખેડૂતો સાથે સીધી મુલાકાત કરી પાકની હકીકત જાણી હતી. તેમણે ખાતરી આપી કે સરકાર દ્વારા વહેલી તકે ખેડૂતોને યોગ્ય સહાય અને વળતર મળે તે માટે જરૂરી રજૂઆત કરવામાં આવશે. ધારાસભ્યએ જણાવ્યું હતું કે “ખેડૂત આપણા અન્નદાતા છે, અને તેમની મુશ્કેલ ઘડીએ સરકાર તેમની સાથે છે.”