માંડવી વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના રાજ્યકક્ષાના પૂર્વ મંત્રી કુંવરજી હળપતિના નામે દિવાળીના પાવન પર્વ દરમિયાન બે અજાણ્યા શખ્સો ઉઘરાણું (પૈસાની માંગણી) કરી ગયા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જાકે, આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે ધારાસભ્ય હળપતિએ પોતે એક જાહેરસભામાં આ અંગે ખુલાસો કર્યો.તાજેતરમાં જ અરેઠ તાલુકાના કરંજ ખાતે આયોજિત ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સ્નેહ મિલન સમારોહમાં કુંવરજી હળપતિ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં તેમણે પોતાની વાત રજૂ કરતાં સ્પષ્ટતા કરી કે, “મેં ક્યારેય કાઈ માંગ્યું નથી, મારા નામે ઉધારણું થયું છે.” ધારાસભ્યએ આ દરમિયાન લોકોને ચેતવ્યા પણ હતા. તેમણે કહ્યું કે જા ભવિષ્યમાં કોઈ વ્યક્તી મારું નામ લઈને પૈસાની માંગણી કરવા આવે, તો લોકોએ સહેજ પણ ખચકાયા વિના સીધો તેમને ફોન કરવો. આ ઉઘરાણા પ્રકરણમાં સામે આવેલા બે નામો પર પણ તેમણે પોતાની અજ્ઞાતતા વ્યક્ત કરી હતી. કુંવરજી હળપતિએ સ્પષ્ટ જણાવ્યું કે, “ગોટુ અને મુકેશ કોણ છે હું ઓળખતો નથી.”આ ખુલાસા બાદ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચાઓએ જાર પકડ્યું છે કે દિવાળીના પર્વ પર ધારાસભ્ય કુંવરજી હળપતિના નામે કોણ આ પ્રકારની ‘કળા’ કરી ગયું છે. આ ઘટનાએ એ વાતની ગંભીરતા દર્શાવી છે કે કેવી રીતે જાણીતા નેતાઓના નામનો દુરુપયોગ કરીને છેતરપિંડી આચરવામાં આવે છે. ધારાસભ્યએ આપેલા ખુલાસાને કારણે લોકોમાં જાગૃતિ આવી છે અને હવે કાયદાકીય પગલાં લેવાય છે કે કેમ, તે જાવું રહ્યું.









































