શહેરની જમાલપુર-ખાડિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને અચાનક હૃદય સંબંધિત તકલીફ ઊભી થતા તેમને અમદાવાદ શહેરની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વહેલી સવારે છાતીમાં દુખાવો અને ભારે અસ્વસ્થતા અનુભવતા તેમને તાત્કાલિક તબીબી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
મળતી પ્રાથમિક માહિતી મુજબ, ઇમરાન ખેડાવાલાને આજે વહેલી સવારે અચાનક છાતીમાં દુખાવો, ઘેરો ગમ અને શ્વાસ લેવામાં તકલીફ જેવી ફરિયાદો જણાઈ હતી. પરિવારજનો અને નજીકના સહયોગીઓએ પરિસ્થિતિ ની ગંભીરતા સમજતા તરત જ તેમને હોસ્પિટલ લઈ જવાનો નિર્ણય કર્યો હતો. પ્રાથમિક તપાસ બાદ તબીબોએ હૃદય સંબંધિત સમસ્યાની શંકા વ્યક્ત કરતાં તેમને કાર્ડિયોલોજી વિભાગ હેઠળ દાખલ કરવામાં આવ્યા છે.
ઝાયડસ હોસ્પિટલના નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા તેમનું ઈસીજી, ૨ડ્ઢ ઈકો, બ્લડ ટેસ્ટ સહિતના જરૂરી રિપોર્ટ લેવામાં આવી રહ્યા છે. હોસ્પિટલ સ્રોતો મુજબ હાલ તેમની સ્થિતિ  સ્થિર  છે અને ચિંતા કરવાની જરૂર નથી, તેમ છતાં આગામી ૨૪થી ૪૮ કલાક સુધી તેમને તબીબી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે. તબીબોએ સંપૂર્ણ આરામ અને તાણમુક્ત રહેવાની સલાહ આપી છે.
સમાચાર મળતા જ કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાઓ, શહેરના અન્ય ધારાસભ્યો, કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં કાર્યકરો હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. કેટલાકે સોશિયલ મીડિયા મારફતે તેમની તબિયત અંગે માહિતી મેળવી અને સ્વાસ્થ્યલાભ માટે શુભેચ્છા પાઠવી હતી. જમાલપુર-ખાડિયા વિસ્તારમાં પણ લોકોમાં ચિંતા જાવા મળી રહી છે. સ્થાનિક વેપારીઓ અને સમાજના આગેવાનો તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે.
રાજકીય વર્તુળોમાં પણ આ ઘટના ચર્ચાનો વિષય બની છે. વિધાનસભા સત્રો અને સ્થાનિક મુદ્દાઓ પર તેમની સક્રિય ભૂમિકા ધ્યાનમાં લેતા, તેમની તબિયત અંગે પક્ષના નેતાઓ સતત હોસ્પિટલ  સાથે સંપર્કમાં છે. પરિવારજનોએ અપીલ કરી છે કે અફવાઓ પર વિશ્વાસ ન રાખવો અને સત્તાવાર માહિતી પર જ ધ્યાન આપવું. હાલમાં તેમની સ્થિતિ  સ્થિર હોવાનું જણાઈ રહ્યું છે અને તબીબોની દેખરેખ હેઠળ યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે. આગામી એક-બે દિવસમાં તેમની તબિયતમાં સુધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.