બગસરાનાં સથવારા સમાજનાં ઉપપ્રમુખનું પાલિકા પ્રમુખ પતિ દ્વારા થયેલ અપમાન બાબતે અંતે ધારાસભ્યની મધ્યસ્થીને લીધે સુખદ સમાધાન થયું હતું. જોકે ચૂંટણી પછી પાલિકા પ્રમુખ પતિ પર પગલાં લેવા ભાજપ દ્વારા ખાતરી આપવામાં આવી છે. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા બગસરા નગરપાલિકાના પ્રમુખ પતિ એ.વી. રીબડીયા દ્વારા ભાજપનાં એક સામાજિક કાર્યક્રમમાં મંચ ઉપરથી સથવારા સમાજના ઉપપ્રમુખ દિનેશભાઈ હડિયલને ઉતારી અપમાન કર્યું હતું. આ બાબતમાં સથવારા સમાજ દ્વારા મતદાનના બહિષ્કારનો નિર્ણય લેતા તેમજ શહેરની અન્ય સામાજિક સંસ્થાઓનો પણ ટેકો મળતા મામલો વધુ વેગ પકડે તે પહેલા જ ધારાસભ્ય જે.વી. કાકડીયાએ રાત્રિ દરમિયાન બગસરા આવી સથવારા સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી. જેમાં આગેવાનોએ ભાજપની નિષ્ક્રિયતા બાબતે ખૂબ જ રોષ ઠાલવ્યો હતો. જોકે આ મામલે ધારાસભ્ય દ્વારા ચૂંટણી પછી પાલિકા પ્રમુખ પતિ એ.વી. રીબડીયા પર પગલાં લેવાની ખાતરી આપવામાં આવતા અંતે ઘી ના ઠામમાં ઘી પડી ગયું હતું.