રાજુલા પિયત સિંચાઇ મંડળ ધાતરવડી સિંચાઈ યોજના ૧ના પ્રમુખ રમેશભાઇ વસોયાએ રાજુલાના ધારાસભ્ય હીરાભાઇ સોલંકીને પત્ર લખીને ધાતરવડી–૧ સિંચાઈ ડેમમાંથી પાણી છોડવા મુદ્દે રાજુલાના ધારાસભ્યને રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ધાતરવડી- ૧ સિંચાઈ સલાહકાર સમિતિની મિટિંગમાં ખેડૂતોને સિંચાઈનું પાણી આપવાનું નક્કી થયેલ હતું, જેમાં ૧૧૦ દિવસ કેનાલ શરૂ રાખી ખેડૂતોને પિયત માટે પાણી આપવામાં આવેલ. જેમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા છેવાડાના ખેડૂતોને પણ પૂરતું પાણી મળી રહે તેવી અધિકારીઓને સૂચના આપવામાં આવેલ. પરંતુ ૫ થી ૭ ટકા ખેડૂતોને તલ, બાજરી અને ચોળી વિગેરે પાકને એક પાણીની જરૂર હોય તો તે પાણી આપવામાં આવે તો ખેડૂતો પાક સારી રીતે લઈ શકે. આ પત્રની નકલ રાજુલા માર્કેટિંગ યાર્ડના ચેરમેન જીજ્ઞેશભાઇ પટેલ અને સંબંધિત સિંચાઇ અધિકારીને પણ મોકલવામાં આવી છે.