અમરેલી જિલ્લામાં ભારે વરસાદને કારણે મોટાભાગના ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. જેના લીધે મહદઅંશે પાણીનો પ્રશ્ન હલ થઈ ગયો હતો. જેમાં રાજુલાનો જીવાદોરી સમાન ધાતરવડી-૧ ડેમ પર ભરાઈ જતા લોકોને પાણીની સમસ્યામાંથી રાહત મળશે. આ ડેમ ભરાઈ જતા આવનારા સમયમાં ખેડૂતોને સિંચાઈ માટે ઉપયોગી થઈ શકે તેમ છે. જેમાં ખાસ કરીને રવી સીઝનમાં કેનાલથી પાણી પિયતથી આપવામાં આવશે પરંતુ મેઈન અને ડી-૧ શાખા કેનાલનો લાંબો વિસ્તાર હોવાથી માટી, ઘાસ, કચરો ભરાયેલ છે જેની તાત્કાલિક સફાઈ કરવામાં આવે તેમજ નદીની કૂંડી, વાવેરાના કેડાની કૂંડી અને ગોવિંદડીના કેડાની કૂંડીની સફાઈ કરવામાં આવે તે માટે તાલુકા સ.ખ.વે.સંઘ.લી.ના પ્રમુખ અને ભાજપ આગેવાન રમેશભાઈ ડોબરીયાએ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને સિંચાઈ વિભાગના ઈજનેરને પત્ર પાઠવ્યો છે.