રાજુલા માર્કેટ યાર્ડના પ્રમુખ જિગ્નેશ પટેલે ધાતરવડી સિંચાઈ-૧ ડેમનું ઓવર ફ્‌લોનું પાણી કેનાલમાં છોડવા માટે ધારાસભ્ય હિરાભાઈ સોલંકીને પત્ર લખ્યો છે જેની નકલ સિંચાઈ વિભાગના અધિકારીઓને પણ મોકલવામાં આવી છે. પત્રમાં જણાવ્યા અનુસાર, ધાતરવડી સિંચાઈ-૧ ડેમ નજીકના ગામોના ખેડૂતોને મળેલ મૌખિક રજૂઆતમાં જણાવ્યા મુજબ, ડેમનું પાણી દરિયામાં વહી જાય છે. હાલ વરસાદની ખેંચ હોવાથી ખેડૂતોના ખેતરમાં વાવેતર કરવામાં આવેલ પાકને પાણીની ખૂબ જરૂર હોય, જેથી આ પાણી કેનાલમાં છોડવામાં આવે તો ૧૩ જેટલા ગામોના ખેડૂતોના ખેતરમાં વાવેતર કરેલ કપાસ, મગફળી, સોયાબીન વિગેરે પાકને પાણી મળી રહે, જેથી ખેડૂતોનો પાક બચી શકે તેમ છે. પાણી છોડવાથી લાભ મેળવનાર ગામોમાં કેનાલ વિસ્તાર નજીક આવતા ધારેશ્વર, દિપડીયા, નાના રીંગણીયાળા, નવી-જૂની માંડરડી, વડલી, ચારોડીયા, રાજુલા, ઝાંઝરડા, કુંડલીયાળા, બર્બટાણા, વાવેરા, જાપોદર જેવા અંદાજે ૧૩ જેટલા ગામોનો સમાવેશ થાય છે. આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા પટેલે માંગ કરી છે.