વિજ્ઞાન અને કળા એ માનવજાત દ્વારા પેદા કરવામાં આવેલ બે સર્વશ્રેષ્ઠ ઉપલબ્ધિઓ છે. માણસે પોતાને મળેલ સ્વતંત્રતા, બુદ્ધિ, વાતાવરણ, જીજ્ઞાસા, પડકારો અને પ્રતિકુળતાઓ આધારે વિજ્ઞાન અને કળા વિકસાવ્યા છે. આ સિવાય માણસના જીવનમાં ત્રીજો મુખ્ય આયામ ધર્મ છે જે માનવજાતને સૌથી વધુ અસર કરે છે. માણસના જીવનમાં આ બે ઉપલબ્ધિઓ અને ધર્મ સાથે પણ સંભવી શકે છે અને એક બીજાના વિકલ્પો પણ બની શકે છે, એવું સિગમંડ ફ્રોઈડ પોતાની બુક સિવિલાઈઝેશન એન્ડ ઇટ્‌સ ડીસકંટેન્ટસમાં લખે છે. ફ્રોઈડ કહે છે કે વિજ્ઞાન અને કળા વિના માણસ સંભવી શકે છે, ધર્મ વિના પણ સંભવી શકે છે, બંને સાથે પણ સંભવી શકે છે. ભારતમાં ઈસરોના વૈજ્ઞાનિકો ચંદ્રયાન લોન્ચ કરતા પહેલા મંદિરે પૂજા કરવા જાય છે. ભારતના ગૃહમંત્રી ફ્રાન્સથી ખરીદેલા રાફાલ ફાઈટર પ્લેન પર કંકુથી ઓહ્મ અને સ્વસ્તિકના ચિન્હો કરે છે. દરેક દેશની પોતાની આસ્થા હોય છે, આસ્થાપુરુષ હોય છે. ફ્રોઈડ આગળ લખે છે કે માનવ જીવનની પીડાઓ અને સંઘર્ષો માત્ર વિજ્ઞાન અને કળાથી શમન નથી પામતા. તે જર્મન કવિ અને નવલકથાકાર થીયોડોર ફોન્ટેનને ક્વોટ કરીને લખે છે કે એ માટે ધર્મનું ઓક્ઝીલરી કન્સ્ટ્રકશન (સહાયક માળખું) જરૂરી છે.
વ્યક્તિના જીવનના ધ્યેયો સ્પષ્ટ રાખવા ધર્મની જરૂર છે અને ધર્મ, વિજ્ઞાન અને કળા કરતા ખુબ પ્રાચીન છે. ચંદ્રકાન્ત બક્ષીએ લખેલું કે પતિ એ પત્નીના રાજનૈતિક વિચારો બદલી શકે છે, પણ એના ધાર્મિક વિચારો અને આસ્થાઓ બદલી શકતા નથી. ધર્મ એ ગળથૂથી છે. નવજાત હિન્દુ બાળકના કાનમાં સૌ પ્રથમ ઈષ્ટદેવનું નામ બોલવામાં આવે છે અને મૃત્યુ પામેલ નશ્વર શરીરને વિદાય આપતી વેળાએ પણ ઈષ્ટદેવનું નામ પોકારવામાં આવે છે. હિન્દુ જીવનમાં ધર્મ પહેલાથી આખરી શ્વાસ સુધી ફેલાયેલો હોય છે. ધર્મ જમીનથી મજલા બે મજલા નીચે દાટી શકાતો નથી. અને જો દાટવામાં આવ્યો હોય તો પણ, એક સમય, એક પેઢી આવે છે જે પોતાનો ઈતિહાસ, ધર્મ ખોદી લે છે. જેમ બાબરી મસ્જિદની પહેલી ઈંટ મુકાઈ ત્યારથી તેનો ધ્વસ્ત થવાનો મુકદ્દર નક્કી હતો. ઓશો કહે છે તેમ ઈમારત વિનાનો પાયો સંભવ છે, પણ પાયા વિનાની ઈમારત સંભવ નથી. જો પાયા વિના ઈમારત ઉભી કરી દેવામાં આવે તો એ વધુ સમય ટકી શકતી નથી. બાબરી પાયા વિનાની ઈમારત હતી, જે એક દિવસ ગબડી જવાની હતી અને રામમંદિર ઈમારત વિનાનો પાયો હતું, જે એક દિવસ નિર્માણ થઈને રહેવાનું હતું.
ઉત્તરપ્રદેશના સંભલમાં કોર્ટના આદેશ બાદ શાહી જામા મસ્જીદની આર્કિયોલાજિકલ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અરજકર્તાનો દાવો છે કે મુઘલકાળની આ મસ્જીદ હકીકતે ભગવાન વિષ્ણુના પ્રાચીન હરિહર મંદિરની જગ્યા પર બનાવવામાં આવી હતી. સર્વે દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. ત્યાં સર્વે બાદ એ વિસ્તારમાં અસંખ્ય હિન્દુ ધર્મસ્થાન હોવાના અવશેષો મળી આવ્યા છે. ચાર દાયકા પહેલા થયેલા રમખાણો બાદ હિન્દુઓએ એ આખો વિસ્તાર છોડીને પલાયન કરવાની ફરજ પડી હતી. રામમંદિર નિર્માણ બાદ આ દાવાઓ અને મળતા પુરાવાઓનું પ્રમાણ વધ્યું છે. આ બધા દરમિયાન હિન્દુસ્તાનમાં હિન્દુઓનો એક વર્ગ પણ એમ માને છે કે બાબરી ધ્વંશ અને રામમંદિર નિર્માણ હિન્દુત્વનું અંતિમ પ્રાપ્ય હતું. સૈકાઓથી જે સ્થળ હિન્દુ આસ્થાની છાતી પર હતું એ હટી ગયું છે. હિન્દુઓએ પોતાના આદ્યપુરુષને ન્યાય અપાવી દીધો છે. દેશના અન્ય ભાગોમાં જે બાબરી પ્રકારનું અતિક્રમણ છે તેમાં હવે આગળ આ પ્રકારના સંઘર્ષમાં ઉતારવાની જરૂર નથી. સંઘના વડા મોહન ભાગવત દ્વારા પણ આ પ્રકારનો મત વ્યક્ત કરવામાં આવ્યો છે કે દરેક મસ્જીદ નીચે શિવાલય શોધવાની જરૂર નથી. એમના આ નિવેદન બાદ ઉહાપોહ થવો લાઝમી હતો, અને થયો. એ ચર્ચાને વેગ મળી ગયો કે હિન્દુઓએ રામમંદિર નિર્માણ ઉપરાંત હવે પાછા હઠી જવું જોઈએ. જુના જમાનામાં સરકારી બોટીઓ પર નભતા પત્રકારો એમ પણ કહે છે કે જો નહિ અટકે તો દેશનો વિકાસ રૂંધાઇ જશે, દેશ પાયમાલ થઇ જશે. આ એ જ લોકો છે જે એ ઈતિહાસને સાચો માને છે કે મુઘલકાળ કે જયારે સૌથી વધુ મંદિરો ધ્વસ્ત કરવામાં આવ્યા હતા એ વિકાસ અને પ્રગતિની દ્રષ્ટીએ ભારતનો સુવર્ણ યુગ હતો. બાબરથી લઈને ઔરંગઝેબ સુધીના શાસકો અચ્છા શાસકો હતા. આવી બંને બાજુની વિચારસરણી પાળી શકવા માટે તમારા ગાળામાં કોઈની વફાદારી સાબિત કરતો પટ્ટો પડેલો હોવો જોઈએ અને તમારે વારેવારે આ બારાનું ભસતું રહેવું પડે. કોઠાની નીચેના દરવાજે ઉભા રહીને ઘરાક બોલાવવા જેવું આ કામ છે.
આ બાબતને દેશના વિકાસ સાથે સરખાવવાનો વાહિયાત કુતર્ક દેશની ટીવી ડિબેટમાં બેસતા પત્રકારો કરી શકે છે. પોતાનો રામમંદિર વખતનો જુનો નેરેટીવ કે આ મામલો આગળ જતા જો ઉગ્ર બનશે તો દેશમાં લોહોની નદીઓ વહી જશે, ગર્દિશે આસમાની વરસી જશે, દેશ પાયમાલ થઇ જશે. બે કોમ વચ્ચે વૈમનસ્યની ઉંડી ખાઈ પડી જશે. એ નેરેટીવ આજે ચાલે તેમ નથી. કારણકે રામમંદિર નિર્માણ દરમિયાન આવું કશું થયું નથી. મંદિર નિર્માણ ઉપરાંત દેશ પ્રગતિ કરી રહ્યો છે. મુસ્લિમો દ્વારા પણ ચુકાદો સ્વીકારીને સહયોગ આપવામાં આવ્યો છે. આખા દેશનું ભયસ્થાન કે દેશ અસ્થિર થઇ જશે, દેશના મુસ્લિમોએ રામમંદિર કેસમાં ગલત સાબિત કર્યો છે. આવડા મોટા દેશમાં કોર્ટનો એ ફેસલો શાંતિપૂર્વક સ્વીકારી લેવામાં આવ્યો છે. તો આ પણ કોર્ટના આદેશ બાદ જ કાર્યવાહી કરવામાં આવી હતી. હવે નવી વાત લાવવી પડશે એટલે દેશના વિકાસને જોડવામાં આવી રહ્યો છે.
ઇતિહાસનું જે વજૂદ છે એ કોઈને કોઈ સમયે પુનઃ સ્થાપન માંગે જ છે. તમે ઈતિહાસને ખોટો લખી શકો, વિકૃત કરીને પેઢીઓને ગુમરાહ કરી શકો, પણ આખેઆખા ઈતિહાસને દાટી નથી શકતા.
ક્વિક નોટ – ૧૬૬૪માં કાયદો આવ્યો કે મંદિરોનો જીર્ણોધ્ધાર ન થઇ શકે. મંદિરો તોડવા માટે ‘મુહતસીબ’ નામે અધિકારીઓની નિમણૂકો કરવામાં આવી. હિન્દુઓ માટે જકાત અઢીથી વધારીને પાંચ ટકા કરવામાં આવી, અને મુસ્લિમોને એમાંથી મુક્તિ આપવામાં આવી. ત્યારે પણ હિન્દુઓ બહુમત હતા, પણ શાસક મુસ્લિમ હતા. આવો અદ્દલ સમય આઝાદી બાદ પણ હિન્દુસ્તાને જોયેલો છે.