Mathura: A view of Sri Krishna Janmabhoomi temple and Shahi Idgah mosque, in Mathura, Sunday, Sept. 27, 2020. A group of devout Hindus has moved a Mathura civil court here for removal of the mosque allegedly built at the exact birthplace of Lord Sri Krishna within the 13.37-acre premises of Katra Keshav Dev temple in the holy city. (PTI Photo)(PTI27-09-2020_000034B)

ભારતમાં ફરી હિંદુ વર્સીસ મુસ્લિમ માહોલ છે.

મુસ્લિમ આક્રમણખોરોએ હિંદુ ધર્મસ્થાનોને તોડીને બનાવેલી મસ્જિદો ફરી હિંદુઓને સોંપવાના મુદ્દા ગાજી રહ્યા છે ને કહેવાતા હિંદુવાદીઓ મેદાનમાં આવી ગયાં છે. ઘણા બધા કિસ્સામાં કાનૂની લડત પણ શરૂ થઈ ગઈ છે. કાશીનું વિશ્વનાથ મહાદેવ મંદિર, મથુરાનું કૃષ્ણ જન્મભૂમિ મંદિર, આગ્રાનો તાજમહલ,  દિલ્હીનો કુતુબ મિનાર અને ભોપાલની ભોજશાળા એ પાંચ મોટાં ધર્મસ્થાનો હિંદુઓને સોંપવાની માગણી સાથે હિંદુવાદીઓ કોર્ટમાં પહોંચ્યા છે ને કોર્ટ તેમને સાંભળી પણ રહી છે. બલ્કે તેમના અભિપ્રાયને મહત્વ પણ આપી રહી છે.

આગ્રાનો જગવિખ્યાત તાજ મહેલ ભગવાન શિવના મંદિરને તોડીને બનાવાયો હતો એવા વાહિયાત દાવાને બાદ કરતાં બાકીના કેસોમાં કોર્ટનું વલણ હિંદુવાદીઓ તરફી હોવાથી આ પ્રકારના બીજા દાવા પણ થઈ રહ્યા છે. અત્યારે સ્થિતી એ છે કે, દર સપ્તાહે એક નવા હિંદુ ધર્મસ્થાનનો વિવાદ સામે આવીને ઉભો રહી જાય છે. નવા નવાં ધર્મસ્થાનો પર દાવા થઈ રહ્યા છે એ જોતાં ભવિષ્યમાં આ યાદીમાં સ્થાનો ઉમેરાતા જશે. સામે મુસ્લિમ સંગઠનો અને નેતાઓ પણ નમતું જોખવાના મૂડમાં નથી એ જોતાં આ મુદ્દો બારમાસી બની ગયો છે. ક્યાંક ને ક્યાંક, કોઈ ને કોઈ ધર્મસ્થાનનો વિવાદ ચાલ્યા જ કરતો હોય એવા દિવસો આવી ગયા હોય એવું લાગે છે.

ભારતમાં ધર્મસ્થાનોના વિવાદને રાજકારણ સાથે સીધો સંબંધ છે એ કહેવાની જરૂર નથી.  રાજકીય ફાયદા માટે લોકોમાં ધર્મના નામે ઉન્માદનો માહોલ પેદા કરવાનો ખેલ ભારતમાં વરસોથી ચાલે છે. ભારતમાં કાયમ માટે હિંદુત્વનો મુદ્દો ગાજ્યા કરે એવો એજન્ડા સેટ કરવો ભાજપના ફાયદામાં છે તેથી ભાજપનું આ બધી વાતોને પીઠબળ છે.

//////////////

હિંદુ ધર્મસ્થાનોનો મુદ્દો વરસોથી ગાજે છે.

આ મુદ્દે ઈસ્લામ છોડીને હિંદુ ધર્મ અપનાવનારા વસીમ રીઝવીએ રસપ્રદ સૂચન કર્યું હતું.  રીઝવી હિંદુત્વ અપનાવીને જીતેન્દ્ર નારાયણ સિંહ ત્યાગી બની ગયા એ પહેલાં શિયા મુસ્લિમ હતા ને શિયા વકફ બોર્ડના ચેરમેન હતા. 2018માં અયોધ્યાના રામજન્મભૂમિ વિવાદનો ચુકાદો નહોતો આવ્યો અને કોર્ટ બહાર ઉકેલ લાવવાની મથામણો ચાલતી હતી ત્યારે વસીમ રીઝવીએ  ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડને  અપીલ કરી હતી કે, ભારતમાં જે હિન્દુ મંદિરોને તોડીને મસ્જિદો બનાવાઈ છે એ તમામ ધર્મસ્થાનો હિંદુઓને સોંપી દેવાં જોઈએ.

વસીમ રિઝવીએ પોતાના પત્રમાં આવાં નવ મુસ્લિમ ધર્મસ્થાનોનો ઉલ્લેખ કર્યો હતો. રીઝવીના મતે, આ નવ મસ્જિદો વિશે મુસ્લિમ શાસકોએ મંદિર તોડી મસ્જિદનું નિર્માણ કર્યું હતું તેવો સ્પષ્ટ રીતે ઈતિહાસમાં ઉલ્લેખ છે. અયોધ્યાની બાબરી મસ્જિદ ઉપરાંત મથુરાના કેશવ દેવ મંદિર,  જોનપુરના અટાલા દેવ મંદિર, વારાણસીના કાશી વિશ્વનાથ મંદિર, પાટણના રૃદ્ર મહાલય, અમદાવાદના ભદ્રકાલી મંદિર, પશ્ચિમ બંગાળના પંડુવાની અદીના મસ્જિદ,  મધ્યપ્રદેશના વિદિશાના વિજયા મંદિર,  અને કુતુબ મીનારનો રીઝવીએ ઉલ્લેખ કર્યો હતો.

વસીમ રિઝવીએ લખ્યું હતું કે,  મોગલો અને તેના પહેલાં ભારતમાં થઈ ગયેલા મુસ્લિમ સુલતાનોએ હિંદુસ્તાનને લૂંટ્યું છે એ વાતનો  ઇતિહાસ સાક્ષી છે.  આ મુસ્લિમ સુલતાનોએ ભારતમાં રાજ કર્યું ત્યારે અસંખ્ય મંદિરો તોડીને ઘણાં મંદિરોના સ્થાને મસ્જિદો બનાવી દીધી. ભારતમાં મોગલો અને મુસ્લિમ સુલતાનોએ બતાવેલી ક્રૂરતા ઈસ્લામના સિધ્ધાંતોની  વિરુધ્ધ છે. ઈસ્લામ કોઈ પણ ધર્મસ્થાન એટલે કે પૂજાના સ્થળ (ઈબાદતગાહ)ને તાકાતથી તોડીને મસ્જિદ બનાવી દેવાની તરફેણ કરતો નથી. આ વાત ઈસ્લામના સિધ્ધોતોની વિરૂધ્ધ છે તેથી આ ધર્મસ્થાનોની જમીનો હિદુઓને સોંપી દેવી જોઈએ.

મુસ્લિમ પર્સનલ લો બોર્ડે આ વાતને ફગાવી દીધી હતી.

//////////////

આ સમસ્યાનો ઉકેલ શું ?

કાનૂની નિષ્ણાતોના મતે,  1991માં કેન્દ્રની નરસિંહરાવ સરકારે દેશનાં તમામ ધાર્મિક સ્થળોને લગતા વિવાદોમાં યથાસ્થિતિ જાળવી રાખવા માટે પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ, 1991 બનાવ્યો હતો તેમાં આ સમસ્યાનો ઉકેલ છે જ પણ અદાલતો રાજકીય દબાણ હેઠળ વર્તી રહી હોવાથી આ કાયદાને કોરાણે મૂકી દેવાય એવું બને. હમણાં મથુરાના વિવાદમાં કોર્ટે કહ્યું જ છે કે, આ કાયદો અહીં લાગુ ના પડે કેમ કે આ કાયદો બન્યો તેના બહુ પહેલાં આ વિવાદ શરૂ થઈ ગયો હતો.

કાનૂની નિષ્ણાતો કોર્ટના આ ચુકાદાથી હેરતમાં પડી ગયાં છે કેમ કે અયોધ્યાના રામ જન્મભૂમિ સંકુલ સિવાયનાં તમામ ધર્મસ્થાનોને આ કાયદા હેઠળ રક્ષણ અપાયું છે. તેમના મતે, કાયદો ક્યારે બન્યો એ મહત્વનું નથી પણ તેમાં ક્યારથી તેનો અમલ શરૂ કરવાની જોગવાઈ છે એ મહત્વનું છે. પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ, 1991માં 15 ઓગસ્ટ, 1947ના રોજ દેશ આઝાદ થયો ત્યારે દરેક ધર્મસ્થળ જે સ્થિતિમાં હતા તે જ સ્થિતિમાં રાખવાની સ્પષ્ટ જોગવાઈ છે. આ જોગવાઈ તમામ ધર્મસ્થાનોને લાગુ પડે છે ત્યારે ક્યો વિવાદ ક્યારે ઉભો થયો એ મહત્વનું નથી. કમનસીબે અદાલતો જુદી રીતે તેનું અર્થઘટન કરી હી છે ને  સુપ્રીમ કોર્ટમાં ભવિષ્યમાં આ મુદ્દો ઉઠશે જ.

મોદી સરકાર પાસે આ કાયદાને નાબૂદ કરવાનો કે તેમાં ફેરફાર કરવાનો વિકલ્પ છે પણ સરકાર એવું કરે તો હજારો ધર્મસ્થાનો વિશે વિવાદ ઉભો થઈ જાય તેથી સરકાર ચૂપચાપ તમાશો જોયા કરે છે. આ વિવાદો ઉઠે એ ભાજપના ફાયદામાં છે તેથી સરકાર પણ વિવાદોને ચગવા દે છે.

//////////////

હિંદુવાદીઓ અને મુસ્લિમો પણ સમજદારી બતાવે તો પણ આ વિવાદો ના ચગે.

ભારતમાં આક્રમણ કરનારા મુસ્લિમ શાસકોએ અનેક ગણાં મંદિરો તોડીને મસ્જિદો બનાવી હતી તેમાં બેમત નથી. માત્ર મંદિરો જ નહીં પણ બૌધ્ધ અને જૈન ધર્મનાં ધર્મસ્થાનો તોડ્યાં હોવાના ઐતિહાસિક પુરાવા પણ ઉપલબ્ધ છે જ. પુરાતત્વીય રીતે પણ આ વાત સાબિત થયેલી છે. અયોધ્યા વિવાદમાં આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (એએસઆઈ)એ એ પુરાવા આપેલા. બીજાં ધર્મસ્થાનોમાં પણ ખોદકામ કરાય તો એ પ્રકારના પુરાવા મળે જ પણ ભૂતકાળને ખોદવામાં મજા નથી.

મુસ્લિમ આક્રમણખોરો તાકતવર હતા ને તેમનાં આક્રમણો સામે આપણે ટકી ના શક્યા તેથી આપણાં ઘર્મસ્થાનો ના સાચવી શક્યા. મુસ્લિમ આક્રમણખોરોએ મંદિરો તોડીને મસ્જિદો બનાવી. કોઈનાં ધર્મસ્થાનોને તોડવાં એ મર્દાનગી નહીં પણ અસભ્યતા છે. ઈસ્લામ પણ એ વાતની મંજૂરી નથી આપતો એવું અસંખ્ય મુસ્લિમ વિદ્વાનો કહી ચૂક્યા છે. ધર્મસ્થાનોને તોડવાનાં  કૃત્યો ઈસ્લામ વિરોધી હતાં પણ મુસ્લિમ આક્રમણખોરો વિજયના નશામાં જંગલી બની ગયેલા તેથી સભ્યતા ના જાળવી, અસભ્યતા બતાવી ને મંદિરો તોડ્યાં. આ મંદિરોને સ્થાને મસ્જિદો બનાવી દીધી ને એ રીતે પોતાના ધર્મનું શાસન સ્થાપવાનો મિથ્યા ગર્વ અનુભવ્યો.

અત્યારે હિંદુવાદીઓ મુસ્લિમ આક્રમણખોરોની જેમ મસ્જિદો તોડીને મંદિરો બનાવવાની વાત કરે એ યોગ્ય નથી. હિંદુવાદીઓ પણ  સદીઓ પહેલાં આવેલા જંગલી ને અસભ્ય આક્રમણખોરોની જેમ મસ્જિદો તોડીને મંદિરો બનાવવા માગતા હોય તેમનામાં અને અસભ્ય આક્રમણખોરોમાં કોઈ ફરક જ ના કહેવાય.

મુસ્લિમોનાં ધર્મસ્થાનો તોડીને મંદિરો બનાવવાથી અહમ સંતોષાશે, મુસ્લિમ આક્રમણખોરોએ કરેલું એવું જ કરીને આપણે મંદિરો પાછાં મેળવ્યાં એવું લાગશે પણ તેનાથી લોકોને કોઈ ફાયદો થવાનો નથી, હિંદુઓનું ભલું થવાનું નથી.

હિંદુ જીવનશૈલી છે, સંસ્કૃતિ છે અને હિંદુ સંસ્કૃતિ જેના પર ઉભી છે એ સનાતન ધર્મમાં તો ધર્મસ્થાનો જ નહોતાં. સનાતન ધર્મમાં જ્ઞાન હતું, જ્ઞાન પર ચર્ચાઓ થતી, તંદુરસ્ત જીવનશૈલી અપનાવીને લોકો સુખી રહેતાં.

આપણે એ સુખ તરફ પાછા વળવું જોઈએ, આક્રમણખોરોની જેમ ધર્મસ્થાનો તોડવાના જંગલીપણા તરફ નહીં.

મુસ્લિમોએ પણ થોડીક સમજદારી બતાવવી જોઈએ. સંઘર્ષના બદલે સમાધાનનો રસ્તો શોધવા પ્રયત્ન કરવો જોઈએ અને તેને મટે સંવાદ કરવો જોઈએ. જેમન પર દાવા થાય છે એવાં મુસ્લિમોનાં તમામ ધર્મસ્થાનો તોડીને ફરી હિંદુ ધર્મસ્થાનો બનાવવાં શક્ય નથી પણ મુસ્લિમો એક પહેલ કરીને આવાં દસેક મોટાં સ્થાન હિંદુઓને સોંપવાની તૈયારી બતાવે ને બદલામાં આ વિવાદ પર કાયમ માટે પડદો પડી જાય એવી હિંદુવાદી સંગઠનો પાસેથી ખાતરી લે.

હિંદુવાદીઓ તેમની વાત માનશે જ એ નક્કી નથી પણ મુસ્લિમોએ એક પહેલ કરવી જોઈએ.

//////////////

ભારતને સંકુચિત ધર્માંધતાની જરૂર નથી.

ભારત પાસે સમૃધ્ધ વારસો છે ને આ વારસો જ્ઞાનનો છે. હિંદુ જીવનશૈલીમાં દુનિયાને રાહ બતાવી શકાય એવું ઘણું બધું છે, આપણાં લોકોને સુખી કરી શકાય એવું પણ અઢળક છે. કમનસીબે તેને ભૂલીને આપણે ધર્મસ્થાનોમાં હિંદુત્વને કેદ કરવાની સંકુચિતતા તરફ વળી રહ્યાં છીએ. આપણે આપણા સમૃધ્ધ વારસાને લોકોનાં જીવન સુખમય બનાવવા માટે વાપરવાના બદલે આપણી શક્તિઓ મિથ્યા વિવાદોમાં વાપરી રહ્યા છીએ.

ઈતિહાસ એ વાતનો ગવાહ છે કે, જે પ્રજા ધર્મસ્થાનોની સકુચિતતામાંથી બહાર આવી એ પ્રજાએ દુનિયા પર રાજ કર્યું છે, પોતાનો સિક્કો જમાવ્યો છે. એક સમયે ખ્રિસ્તીઓ ચર્ચના નિયમોના ગુલામ બની ગયેલા પણ તેની સામે પ્રોટેસ્ટંટ સંપ્રદાય શરૂ થયો ને આ બેડીઓ તૂટી પછી ખ્રિસ્તીઓ આખી દુનિયામાં છવાઈ ગઈ. યહૂદીઓને પણ આ વાત લાગુ પડે છે. સામે મુસ્લિમોનો મોટો વર્ગ ધર્માંધતા ના છોડી શક્યો તો પછાતપણામાં રહી ગયો. આ વાત મુસ્લિમ વિદ્વાનો જ કહે છે.

આપણે કઈ દિશામાં જવું છે ?