અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ધરાઈ ગામથી મોણપુર તરફ જતો મુખ્ય માર્ગ છેલ્લા બે વર્ષથી અતિ બિસ્માર હાલતમાં હોવાથી ધરાઈ તથા આસપાસના ગામના વાહનચાલકો અને મુસાફરો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ધરાઈ ગામે આશરે ૩૫૦ વર્ષથી બિરાજમાન બાલમુકુન્દ પ્રભુની હવેલી આવેલી છે, જેને પૃષ્ટિ વૈષ્ણવ સંપ્રદાયમાં નાથદ્વારા સમકક્ષ માનવામાં આવે છે. અહીં સમગ્ર ગુજરાત સહિત ભારત અને વિશ્વના દેશોમાંથી લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. અમરેલીથી ધરાઈ તથા આજુબાજુના ગામ જવા માટે તમામ વાહનચાલકો ધરાઈથી મોણપુર સુધીના આ ભંગાર રોડથી ત્રાસી ગયા છે અને વાહનચાલકો ખોટો સમય વેડફીને બાબરા તથા વાવડી ફરીને પોતપોતાના ગામ સુધી પહોંચવા મજબૂર છે. ખાસ કરીને ધરાઈથી આજુબાજુના ૧૦ જેટલાં ગામના લોકોને અમરેલી જિલ્લા મથકે ઓફિસિયલ કામ તથા ખરીદી માટે રોજ આ રોડ નજીક પડતો હોવા છતાં, ખરાબ રસ્તાના કારણે ખોટો સમય વેડફી રહ્યા છે. ધરાઈ ગામના જાગૃત નાગરિકો દ્વારા અમરેલી જિલ્લાના માર્ગ અને મકાન (પંચાયત) વિભાગના મુખ્ય અધિકારીઓને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ આ રોડ નવો બનાવવાનું કામ ચાલુ થયું નથી. તાજેતરમાં ધરાઈથી મોણપુર સુધીના ૪ કિમીના રોડનું પેચવર્ક કામ શરૂ કરાયું હતું, જે માત્ર એક જ દિવસ ચાલ્યું હતું. ધરાઈ ગામના વતની અને બાલમુકુન્દ હવેલીના મુખ્યાજીએ પણ જિલ્લાના તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં આ રોડનું કાયમી સમારકામ કે નવો બનાવવામાં આવ્યો નથી. વહેલી તકે જિલ્લાના માર્ગ અને મકાન (પંચાયત) વિભાગના અધિકારીઓ ઘોર નિંદ્રામાંથી જાગે અને આ રોડ નવો બનાવી આપે તેવી ધરાઈ તેમજ આજુબાજુના ગ્રામજનોની માંગણી અને લાગણી છે.







































