ધજડી ગામે રહેતા અને ભાર રીક્ષા ચલાવતા ચતુરભાઈ જમનાદાસ સરૈયા (ઉ.વ.૫૦)એ અજાણ્યા ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ પોતાની ભાર રીક્ષામાં સબમર્સીબલ મોટર તેમજ મોટરના પાઇપ તેમજ ખાતર ભરીને સાવરકુંડલાથી ધજડી પોતાના ગામે આવતા હતા ત્યારે ધજડી ગામના પાટીયા પાસે એક નંબર પ્લેટ વગરની વાદળી કલરની મોટર સાયકલ ઉભી હતી. જેમાં મોઢે રૂમાલ બાંધી ઉભેલા અજાણ્યા ઈસમે અચાનક દોડીને આવીને હુમલો કર્યો હતો. જેથી તેઓ રીક્ષા ઉપરથી નીચે ઉતર્યા હતા અને આ અજાણ્યા ઇસમને કહેલ કે મને શું કામ મારે છે. તેવું કહેતા આ અજાણ્યા ઈસમે ઉશ્કેરાઇને લોખંડના પાઈપથી આડેધડ ઘા માર્યા હતા. ઉપરાંત જતા જતા તેમને કહ્યું કે કાલ સાંજ સુધીમાં છોકરી હાજર કરી દેજે નહીતર તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ વાય. એસ. વનરા વધુ તપાસ કરી રહ્યા છે.