ધંધુકા શહેરમાં વાહન ઓવરટેક કરવાની બાબતે થયેલી તકરારે લોહિયાળ સ્વરૂપ ધારણ કરતા ધર્મેશ ગમારા નામના હિન્દુ યુવાનની હત્યા કરવામાં આવી છે. કિશન ભરવાડના કિસ્સા બાદ આ બીજી ઘટના બનતા સ્થાનિક હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ હિંસક ઘટનામાં આરોપી રિઝવાનની ધરપકડ કરવામાં આવી હોવા છતાં લોકોનો આક્રોશ શમ્યો નથી. રોષે ભરાયેલા ટોળાઓએ પાળીયાદ રોડ અને મુખ્ય સર્કલ પાસે વાહનો તથા દુકાનોમાં આગચંપી કરતા પરિસ્થિતિ ભારેલા અગ્નિ જેવી બની હતી. અચાનક ફાટી નીકળેલી હિંસાને કારણે સમગ્ર બજારો બંધ થઈ ગયા હતા અને લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે અમદાવાદ ગ્રામ્ય એસપી સહિત પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવ્યો છે. હાલમાં સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરીને શાંતિ જાળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.