હાલારની પવિત્ર ભૂમિ પર દ્વારકામાં આવેલ દ્વારકાધીશનું જગત મંદિર જે વિશ્વભરમાં વિખ્યાત છે. અહીં દર વર્ષે હિન્દુ ધર્મના મોટાભાગના તહેવારોની વિશેષ ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે અષાઢી બીજને હવે ગણતરીના દિવસો બાકી હોવાથી દ્વારકાધીશ જગત મંદિરમાં શનિવારે અષાઢી બીજની પણ પરંપરાગત રીતે ઉજવણી થશે.
જગત મંદિરમાં આગામી તારીખ ૨૮મી જૂન અને શનિવારના પાવન દિવસે ૫ થી ૮ વાગ્યા સુધી દ્વારકાધીશ ભગવાનના બાળ સ્વરૂપનો રથયાત્રા ઉત્સવ ઉજવાશે. પુષ્પ નક્ષત્ર અને ઉદય તિથિ અનુસાર આ ધાર્મિક પ્રસંગ ઉજવાશે. આ અવસરે પવિત્ર અષાઢી બીજના ઉત્સવને ભગવાન દ્વારકાધીશ સાથે ઉજવી હજારો ભક્તો ધન્યતા અનુભવે છે. મોટી સંખ્યામાં લોકોમાં આ અવસરના સાક્ષી બનવા માટે અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.
અષાઢી બીજના પાવન દિવસે દ્વારકાધીશ મંદિરમાં ભગવાન દ્વારકાધીશના બાળ સ્વરૂપને ચાંદીના રથમાં બિરાજમાન કરવામાં આવશે. ત્યારબાદ પૂજારી પરિવાર દ્વારા દ્વારકાધીશના મુખ્ય ગર્ભ ગૃહની ચારેકોર પરિક્રમા કરાવવામાં આવશે. એટલે કે ચાંદીના રથમાં બિરાજમાન થઈ ભગવાન દ્વારકાધીશ પરિક્રમા કરશે. આ ઉત્સવના આયોજનની અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
મંદિર ટ્રસ્ટ અને પૂજારી પરિવાર દ્વારા ચાંદીના રથને શણગારવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત જરૂરી સાધન સામગ્રીની પણ ખરીદી કરવામાં આવી રહી છે. બીજી બાજુ આ પ્રસંગોનો લાભ લેવા સર્વે વૈષ્ણવોને વારસદાર પુજારી દ્વારા અનુરોધ કરાયો છે.
ઉલ્લેખનીય છે કે દ્વારકા જગત મંદિરમાં દર વર્ષે લાખો ભક્તો ભગવાનને શીશ નમાવી ધન્યતા અનુભવતા હોય છે. આ ઉપરાંત વાર તહેવાર કે કોઈ પણ પ્રસંગ હોય તેમાં ખાસ ભક્તોની ભીડ જોવા મળતી હોય છે. શનિવાર અને રવિવારની રજાઓમાં પણ મોટી સંખ્યામાં ભક્તો દ્વારકા મંદિરમાં ઉમટતા હોય છે. બીજી તરફ દ્વારકાધીશ મંદિરના ટ્રસ્ટ અને પૂજારી પરિવાર દ્વારા હિન્દુ ધર્મના મોટાભાગના તહેવારોની ઉત્સાહભેર અને પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે. જેના ભાગરૂપે રથયાત્રા પણ ઉજવાશે.










































