જિંદગીમાં સહુને વિશ્રામ કંઈ પ્રાપ્ત થતા નથી. દોડતા દોડતા થાકી જતાં ને પછી જ્યાં હોય ત્યાં પડતા લોકોનો સમુદાય મોટો છે. લોકો દોડવાનું શરૂ કરે ત્યારે એ વિચારતા નથી કે એ દોડનું પરિણામ સુખ આવશે કે દુઃખ ? પૈસાની જરૂરિયાત માટે દોડનારાઓ અને સુખી હોવા છતાં પૈસાની ભૂખ માટે દોડનારાઓ વચ્ચે તફાવત છે. અનેક લોકો એવા છે કે એની જિંદગીની દોડ અટકતી જ નથી. તેમની જીવનલીલા દોડતા દોડતા જ સંકેલાઈ જાય છે. કારણ કે એમને કોઈએ અટકવાનું કહ્યું જ નથી અને સ્વયંને તો ભાન જ નથી કે જિંદગીમાં લેવા જેવા આપાર સુખના વૈભવ માણ્યા વિના જ બાકી રહી જશે તો ? એવો વિચાર એમને આવતો જ નથી.

વિશ્રામ તો કદાચ મહામૂલી કમાણી છે. જેમને એકવાર ભક્તિનો રંગ લાગે એમને પછી સંસારના કોઈ થાક લાગતા નથી અને  હરિનામ જ એમને માટે પરમ વિશ્રામ બની જાય છે. તુલસીદાસે રામચરિતમાનસની રચના પરિપૂર્ણ કર્યા પછી કહ્યું કે પાયો પરમ વિશ્રામ…. એનો અર્થ એ છે કે તેમણે એમાં વિશ્રામ અને પરમ વિશ્રામમાં ભેદ કર્યો છે. વિશ્રામ એટલે જેમાં આપણું શરીર થાક અનુભવતું હોય અને પછી આરામ કરવાથી એ થાક ઉતરતો હોય. તુલસીદાસ જે પરમ વિશ્રામની વાત કરે છે તે કદાચ ભવોભવના ફેરા અટકાવનારો વિશ્રામ છે. જાણે કે અમને લખચોરાસીમાંથી મુક્તિ મળી ગઈ છે. એટલે રામ ચરિત્રમાંથી પસાર થયા પછીનો એમનો અનુભવ એમણે કહ્યો છે. આત્મકથનાત્મક વાત ભાગ્યે જ કહેવાની ટેવ ધરાવતા તુલસીદાસે પોતાના વિશ્રામની વાત રમતા રમતા કહી દીધી છે.

સામાન્ય લોકો માટે આજે પણ રામકથાનું પાન વિશ્રામનો અનુભવ આપે છે પરંતુ એ પ્રાસંગિક હોય છે. પરમ જેવો ચિરંતન આનંદ એમાં નથી હોતો. સાધક કે સંત કોટિના કથાકારો માટે પરમ વિશ્રામ હોઈ શકે છે. એકવાર મોરારિબાપુએ કહ્યું કે આ વ્યાસપીઠ મારું એકાંત છે. લાખોની મેદની વચ્ચે તેમને એકાંતનો જે અનુભવ છે તે તેમના પરમ વિશ્રામના દ્યોતક વચન છે. યુગ બદલાઇ ગયો છે અને વિશ્રામના અનુભવ માટે જનસામાન્યને અનેક સાધન-સંપત્તિની જરૂર પડે છે. જે વ્યક્તિ જિંદગીમાં રોટી, કપડા ઔર મકાનના સંઘર્ષમાંથી પૂર્ણતઃ બહાર ન આવે એને માટે વિશ્રામનો અનુભવ સુલભ નથી. જવાબદારીઓની ઉપેક્ષા કરવાથી કદાચ આરામનો અનુભવ લોકો લેતા હોય, પરન્તુ એ બહુ ક્ષણિક હોય છે. ક્યારેક આવી પડેલા અને કાયમી હોય તો તેવા દુઃખની વિસ્મૃતિ પણ વિશ્રામનો અનુભવ આપે છે.

આવી વિસ્મૃતિ બેહોશીની લગોલગની હોય છે. એ તો નશામાં માણસ બધું ભૂલી જાય એમ જે કહેવાય છે એવું જ થયું. એટલે કે છેવટે તો દુઃખ જ અભિવૃદ્ધ થયું. કળણમાંથી બહાર નીકળવાનો પ્રયાસ જેમ હરણ કે અન્ય પ્રાણીને વધુ ફસાવે છે એમ જ ! પહેલી વાત તો એ છે કે વિશ્રામ જ એક જુદી પરિભાષા છે. ઉચ્ચાર જ જુઓને, વિશ્રામમાં જ રામ સમાયેલો છે. એ તુલસીને મળ્યો છે. વિશ્રામ સ્વ-અધ્યાયથી જ મળે. સ્વકર્મ અને સત્-કર્મની ફલશ્રુતિરૂપ જે નિંરાત છે તે પરમ વિશ્રામ છે. જેમણે સપનેય બીજાઓના વિશ્રામને હાનિ કરી નથી એનો જ આવા આનંદ પર અધિકાર છે. લોકો નિવૃત્ત થાય પછી ઘરમાં સમાતા નથી. એનું કારણ એ છે કે ઘરના સભ્યો પાસેથી તેઓ જે આદિકાળથી સેવાઓ લેતા આવ્યા છે એ સેવા કરનારાઓને તેમણે નિવૃત્તિ આપી નથી.

બીજાઓને પોતાના કામ કે સ્વાર્થ માટે જે પ્રવૃત્ત રાખે એ ખુદ તો કદી નિવૃત્ત ન કહેવાય. તુલસીદાસ જેવો લાંબો રસ્તો તો આપણે ન લઈ શકીએ, એ તો વિરલ છે. પરંતુ આપણા તરફથી જીવનભર સહુને વિશ્રામ આપતા રહીએ તો એમ કરતાં કરતાં કદાચ પરમ વિશ્રામ સુધી પહોંચાય. મકાનનો હપ્તો ભરવાનો બાકી હોય કે બાળકોની ફી ભરવાની છેલ્લી તારીખ સમયના પ્રવાહમાં વહી ગઈ હોય તો વિશ્રામ ન મળે એ ભૌતિક જગતનો આપણો અનુભવ છે. ક્યારેક ખુદનો સ્વભાવ પણ વિશ્રામભંગ કરે ને ફરી આનંદનું સાતત્ય હણાઈ જાય. આયોજન બહુ મહાન શબ્દ છે.

આયોજનની આવડત અનેક પ્રકારના સુખ ઉપલબ્ધ કરી આપે છે. આયોજન આમ તો મેનેજમેન્ટ વિદ્યાશાખાની પરિભાષા છે પરંતુ આપણું જીવન એનાથી મુક્ત નથી. જિંદગીમાં જેઓ આયોજનની પ્રણાલિકા દાખલ કરે છે તેમને જ ખબર હોય કે આ વિભાવના કેટલી ચમત્કારિક છે. સમાન્ય રીતે જેઓનો સ્વભાવ કાયમ ઉત્પાત મચાવવાનો હોય છે તેઓ મૂળભૂત રીતે તો આયોજનશૂન્ય હોય છે. પહેલેથી જેઓએ સાવધાન રહીને વરસો પસાર કર્યા હોય તેમના સમયની ડાળીએ ક્વચિત પ્રગટ થતું ફળ પરમ વિશ્રામ છે. માતાના ખોળામાં સ્તનપાન કરતી વેળાએ કે એ જ ઉછંગે પોઢી જતી વેળાએ શિશુના હૃદયમાં જે આનંદના ઝરણાં વહે છે તે પરમ વિશ્રામ છે. ગાય પોતાના વત્સ એટલે કે વાછરડાને પોતાની જિહવાથી ચાટે છે, એને વિશુદ્ધ કરે છે ત્યારે ગાયને જીવાત્મામાં જે પ્રીતિ અનુભવાય તે પરમ વિશ્રામ છે.

મનુષ્યની તુલનામાં ઈતર જીવસૃષ્ટિમાં પરમ વિશ્રામનો અનુભવ લગભગ નિત્યનો અને વારંવારનો છે. કબુતરો યુગલ સ્વરૂપે જ આયુષ્ય પસાર કરે છે. એમનો જે ઘૂઘૂકાર છે તે તેમના આનંદનો ધ્વનિ છે. શિશુને જન્મ આપ્યા પછી માતાનો અનુભવ અને જે હાશકારો છે તે પરમ વિશ્રામ છે. જિંદગીની લપેટમાં પતંગની જેમ પતન વેળાના ગોથા ખાતા લોકો માટે આવો વિશ્રામ માત્ર કલ્પનાનો વિષય છે. કેટલાક એવા પણ લોકો છે કે જેમને ખબર જ નથી કે એ આનંદ શું છે ? એક પણ વાર મધનો આસ્વાદ લીધો જ નથી તો એ સ્વાદનું સુખ શી રીતે તાકી શકાય ? ઘણાક લોકોની અનુભવસૃષ્ટિ બહુ મર્યાદિત હોય છે. તેમની નજર જુદી હોય છે. સુખી લોકો તેમને દુઃખી લાગતા હોય છે.

એવા લોકો હજુ છે કે ઉનાળે તમે એમના ઘડીકના અતિથિ બનો તો તમારે પોતે કહેવું પડે કે સાહેબ પંખો ચાલુ કરો ને! લોભ આમ તો એક અવગુણ છે પરંતુ કેટલાકે એને જીવનકળા બનાવી લીધી હોય છે. તેઓ છતે પૈસે કોઈ પણ સુખ ભોગવ્યા વિના પસાર થાય છે. તેમની ચિરવિદાય પછી પણ લોકો એમની લોભકથાઓનું ગાન કરતા હોય છે. સદગુરુના અભાવે એવા લોકો જીવનના મહાન અને વિરલ આનંદથી દયનીય રીતે વંચિત રહી જાય છે. અરે તેઓના સ્વજનો પણ એમના લોભપણાથી તંગ હોય છે.

હૃદયની ઉદારતા વિના આનંદ મળતો નથી. ચપટીક તો ચપટીક અને ક્યારેક તો ક્યારેક પણ લેવા જેવું સુખ આ પરમ વિશ્રામ છે. એની ટેવ પાડવી પડે. ઉતાવળી, ઉભડક અને આડેધડ ઉગ્યે જતી જિંદગીને વનલતા જેમ વિકસવા દેવાને બદલે એને ઉદ્યાનલતા જેવો ઘાટ આપવો પડે તો જ કોઈક દિવસ મુકામે પહોંચાય. કણકણથી મણના જે સર્જકો છે તેઓ જ જિંદગીના ખરા કીમિયાગરો છે. તેઓ ટીપેટીપાંમાં જ સરોવરના દર્શન કરી શકે છે અને દરેક કાંકરે તેમને પાળ દેખાય છે. એટલે જ એવા લોકો ભગીરથ સંકલ્પોને એકલે હાથે સાકાર કરતા જોવા મળે છે. પરમ વિશ્રામ એમના ચરણોમાં આળોટતો હોય છે.