ઉત્તરાખંડમાં હવામાને પલટો લીધો હતો. દેહરાદૂનમાં શનિવારે સવારથી વરસાદ પડી રહ્યો છે. સતત વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. ઠંડીમાં વધારો થતાં લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ઠંડીના કારણે લોકોને ઘરોમાં કેદ રહેવાની ફરજ પડી છે. હિમાલયના ઊંચા વિસ્તારોમાં બરફ પડ્યો. વરસાદ અને હિમવર્ષાના કારણે કડકડતી ઠંડી શરૂ થઈ ગઈ છે.
તે જ સમયે, ચમોલી જિલ્લામાં મોડી રાતથી સતત વરસાદ પડી રહ્યો છે, જ્યારે ઉચ્ચ વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. બદ્રીનાથ ધામમાં લગભગ ત્રણ ફૂટ અને હેમકુંડ સાહિબમાં ચાર ફૂટ સુધી બરફ જમા થયો છે. વેલી ઓફ ફ્લાવર્સ, રૂદ્રનાથ, ઓલી, ગોરસન વગેરે સ્થળોએ ભારે હિમવર્ષા થઈ રહી છે.
ઓલી રોડ પર કટર મશીન વડે બરફ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. અહીં પ્રવાસીઓના વાહનો બરફમાં ફસાયા છે. હિમવર્ષાના કારણે ચમોલી-મંડલ-ઉખીમઠ-કુંડ હાઈવે, મલારી હાઈવે અને બદ્રીનાથ હાઈવે ટ્રાફિક માટે બ્લોક થઈ ગયો છે. બદ્રીનાથ ધામના માસ્ટર પ્લાનનું કામ સંપૂર્ણપણે અટકી ગયું છે.એનએટઆઇડીસીએલના ૮ એન્જીનિયરો અને લગભગ ૧૫૦ મજૂરો ધામમાં હાજર છે, તેમને નીચેના વિસ્તારોમાં લાવવાની તૈયારી ચાલી રહી છે.
કર્ણપ્રયાગમાં શુક્રવારે બપોર પછી પડેલો ભારે વરસાદ શનિવારે પણ ચાલુ રહ્યો હતો. સતત વરસાદના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું હતું. લોકો તેમના ઘરોમાં કેદ થઈ ગયા હતા. ઠંડીથી બચવા લોકો ગરમ વસ્રો અને બોનફાયરનો સહારો લઈ રહ્યા છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાનો આનંદ લેવા માટે પ્રવાસીઓ પહાડો પર પહોંચવા લાગ્યા છે.