નાણા પ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં જણાવ્યું હતું કે ગયા વર્ષે ડિસેમ્બર સુધીમાં, દેશમાં વિવિધ બેંકોમાં નિષ્ક્રિય ખાતાઓની સંખ્યા ૮,૧૩,૩૪,૮૪૯ હતી. આવા ખાતાઓમાં કુલ ૨૪,૩૫૬ કરોડ રૂપિયા જમા થયા હતા. નાણામંત્રીએ રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.
સીતારમણે કહ્યું કે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, ૧૯૪૯માં એવી જાગવાઈ કરવામાં આવી છે કે દરેક બેંકિંગ કંપની, દરેક કેલેન્ડર વર્ષના અંતે ૩૦ દિવસની અંદર, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને એવા ખાતાઓ વિશે જાણ કરશે જે છેલ્લા ૧૦ વર્ષથી ઓપરેટ થયા નથી.
આરબીઆઇ તરફથી મળેલી માહિતી અનુસાર, ૩૧ ડિસેમ્બર, ૨૦૨૦ ના રોજ અનુસૂચિત વાણિજ્યિક બેંકોમાં આવા ખાતાઓની કુલ સંખ્યા ૮,૧૩,૩૪,૮૪૯ હતી. આવા ખાતાઓમાં કુલ થાપણો રૂ. ૨૪,૩૫૬ કરોડ હતી. તેવી જ રીતે, ૩૧ ડિસેમ્બર, ૨૦૨૦ ના રોજ, શહેરી સહકારી બેંકોમાં ૧૦ વર્ષથી વધુ સમયથી બિન-ઓપરેટેડ ખાતાઓની સંખ્યા ૭૭,૦૩,૮૧૯ હતી અને તે ખાતાઓમાં જમા થયેલી રકમ ૨,૩૪૧ કરોડ રૂપિયા હતી, એમ નાણાં પ્રધાને જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા પાસેથી મળેલી માહિતી અનુસાર, ૩૧ માર્ચ, ૨૦૨૧ સુધીમાં, જીવન વીમા કંપનીઓમાં ૨૨,૦૪૩.૨૬ કરોડ રૂપિયાની થાપણો હતી, જેનો કોઈએ દાવો કર્યો નથી.