દેશની અડધી વસતી એટલે મહિલાઓના રોજગારની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ લઇ લીધું છે. છેલ્લાં ૫ વર્ષમાં આશરે સવા કરોડ મહિલાઓની રોજગારી છીનવાઇ ગઇ. તેમાંથી ૨૫ લાખ તો આ વર્ષે જોન્યુઆરીથી એપ્રિલ દરમિયાન બેરોજગાર થઇ. આ માહિતી દેશમાં રોજગારી અંગે સરવે કરતી એક માત્ર સંસ્થા સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના આંકડામાં સામે આવી છે.
આંકડા મુજબ જોન્યુઆરીથી એપ્રિલ ૨૦૧૭ સુધી દેશમાં કુલ ૪૦.૮૯ કરોડ લોકોને રોજગારી મળી હતી. તેમાંથી ૩૫.૮૧ કરોડ પુરુષ અને ૫.૦૮ કરોડ મહિલાઓ હતી. પાંચ વર્ષ બાદ એટલે જોન્યુઆરીથી એપ્રિલ ૨૦૨૨ દરમિયાન કુલ રોજગારી ઘટીને ૩૯.૯૮ કરોડ રહી ગઈ. જેમાં પુરુષોની સંખ્યા વધીને ૩૬.૧૧ કરોડ થઇ ગઇ પરંતુ મહિલાઓની સંખ્યા ઘટીને ૩.૮૬ કરોડ રહી ગઇ, જે ૧.૨૨ કરોડ ઓછી છે. સપ્ટેમ્બર-ડિસેમ્બર ૨૦૨૧માં મહિલાઓના રોજગારમાં ઘટાડો થયો હતો.