કેરળમાં ૩૧મી મે કે એ પહેલાં ચોમાસું દસ્તક આપી શકે છે. ગુરુવારે ચોમાસાનો ઉત્તરીય છેડો માલદિવ્સ, દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્ર દક્ષિણ બંગાળની ખાડી સુધી પહોંચી ગયો છે. ચોમાસું હવે કેરળના તિરુવનંતપુરમ કિનારેથી ૧૦૦ કિમી દૂર છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી બે દિવસમાં ચોમાસું કેરળ તરફ આગળ વધીને લક્ષદ્વીપ પહોંચે એવી શક્યતા છે.
હવામાન વિભાગે અગાઉ કહ્યું હતું કે કેરળમાં ૨૭ મેના રોજ ચોમાસું દસ્તક આપી શકે છે, જ્યારે ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે ચોમાસાની દસ્તકની તારીખ ૨૬ મે દર્શાવી હતી. હવે હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસું ૩૧ મેના રોજ અથવા એ પહેલાં દસ્તક આપી શકે છે. બદલાયેલા સંજોગોમાં સ્કાયમેટે કહ્યું છે કે ચોમાસું સામાન્ય રહેશે, પરંતુ ધમાકેદાર દસ્તકની શક્યતાઓ ઓછી છે.
હવામાન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે દેશના બાકીના ભાગોમાં ચોમાસું નિર્ધારિત તારીખના ત્રણ-ચાર દિવસ પહેલાં કે પછી આવી જશે. બંગાળની ખાડીમાં આવેલા વાવાઝોડા બાદ આ વખતે આંદામાન-નિકોબાર ટાપુઓમાં ચોમાસું નિર્ધારિત તારીખ ૨૨ મેથી એક સપ્તાહ પહેલાં ૧૫ મેના રોજ પહોંચી ગયું છે.
હવામાન એજન્સીઓએ જોહેરાત કરી હતી કે ચોમાસું કેરળમાં વહેલી દસ્તક આપશે, પરંતુ બાદમાં માત્ર અસાનીએ જ એનો માર્ગ બદલાયો, પરંતુ મધ્ય અને પૂર્વ ભારતમાં જે પ્રકારનો પ્રી-મોન્સૂન વરસાદની અપેક્ષા કરાતી હતી એ ન થઈ. કેરળના ઘણા ભાગોમાં ચોમાસાનાં વાદળ છવાયેલાં જોવા મળે છે.
સીએસએના હવામાન વિભાગના પ્રભારી ડા.એસ.એન. સુનીલ પાંડેએ જણાવ્યું, દર વર્ષની જેમ આ વખતે પણ વરસાદ પડશે, પરંતુ એના દિવસો ઓછા રહેશે. તેમણે કહ્યું હતું કે પહેલા ૫૦-૬૦ દિવસ વરસાદ પડતો હતો, હવે માત્ર ૩૫-૪૦ દિવસ જ પડી રહ્યો છે. હવે કોઈ એક જ દિવસમાં ખૂબ જ વધુ વરસાદ પડે છે.
આગામી ૫ દિવસ સુધી આકરી ગરમીમાંથી રાહત મળવાની છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસો દરમિયાન છૂટાછવાયા વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. દિલ્હી, પંજોબ, હરિયાણા, રાજસ્થાનમાં ગરમી વધવાની શક્યતા એના કારણે પણ નથી, કારણ કે અહીં બંગાળની ખાડી તરફથી પવનો આવી રહ્યા છે. જૂનના પહેલા ૧૦ દિવસમાં મહારાષ્ટ્રમાં વધુ વરસાદ નહીં પડે. રાજ્યમાં અડધા જૂન સુધી સંકટ બની રહેશે. રાજ્યનાં તળાવોમાં પાણીનો સંગ્રહ ઘણો ઓછો છે. હાલમાં જળસંકટને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા વિવિધ સ્થળોએ ૪૦૧ ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવે છે.