પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવાર સાથે મુલાકાત કરી હતી આ બેઠકમાં મમતાના ભત્રીજા અભિષેક બોનર્જી અને એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલ પણ હાજર હતા. બેઠક બાદ મમતા બેનર્જી અને શરદ પવારે પ્રેસ કોન્ફરન્સ કરી વાતચીત વિશે જણાવ્યું હતું . શરદ પવારે કહ્યું કે આપણે કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપ સામે એક થવું પડશે. સાદી વાત છે કે જેઓ ભાજપની વિરુદ્ધ છે, જે પણ આવશે અને અમે તેમનું સ્વાગત કરીશું.
બીજી તરફ ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીએ કહ્યું કે દેશમાં ફાસીવાદ ચાલી રહ્યો છે, તેથી વૈકલ્પિક તાકાત બનવુ પડશે. એકલા રહેવાથી નહીં ચાલે. કોંગ્રેસ તરફ ઈશારો કરીને કહ્યું કે કોઈ લડશે નહીં તો શું કરીશું? વૈકલ્પિક તાકાતની વાત થવી જાઈએ. યુપીએ શું છે? હાલમાં યુપીએ નથી.
શરદ પવારે કહ્યું કે પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર વચ્ચે જૂનો સંબંધ છે. બંને રાજ્યો વચ્ચે ઘણી સમાનતાઓ છે. આજે મમતા બેનર્જીએ મારી સાથે દેશના રાજકીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. અમે એ મુદ્દા પર પણ ચર્ચા કરી હતી કે સમાન વિચારધારા ધરાવતા પક્ષોએ ભાજપ સામે એકસાથે આવવાની જરૂર છે. અમારી વચ્ચે ખૂબ જ સારી ચર્ચા થઈ છે.
કોંગ્રેસને પણ સાથે લેવામાં આવશે ? આ પ્રશ્ન પર પવારે કહ્યું કે જે પક્ષો ભાજપની વિરુદ્ધ છે તેઓ એક સાથે આવે છે તો તેમનું સ્વાગત છે. ૨૦૨૪ માં કોણ નેતૃત્વ કરશે? તે વિષય પછીનો છે, પહેલા આપણે બધાએ સાથે આવવાની જરૂર છે.