પૂર્વ કેન્દ્રીય નાણાં મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમ (પી ચિદમ્બરમ)એ કહ્યું છે કે ભારતીય અર્થતંત્ર ની સ્થિતિ “બેહદ ચિંતાજનક” તબક્કામાં છે અને કોવિડ મહામારી પછી અર્થતંત્રમાં સુધારાની ગતિ ઘણી સુસ્ત થઈ ગઈ છે. કોંગ્રેસના ત્રણ દિવસીય ચિંતન શિબિરના બીજા દિવસે ઉદયપુરમાં પ્રેસને સંબોધતા ચિદમ્બરમે કહ્યું કે દેશમાં મોંઘવારી અસ્વીકાર્ય સ્તરે વધી ગઈ છે અને સરકારની ખોટી નીતિઓને કારણે આવું થઈ રહ્યું છે.
ચિદમ્બરમે કહ્યું કે વિદેશની સ્થિતિને કારણે અર્થવ્યવસ્થા પર દબાણ વધ્યુ છે, પરંતુ કેન્દ્ર સરકાર આ ઘટનાક્રમને પહોંચી વળવા માટેના ઉપાયો વિશે અજાણ હોય તેવું લાગે છે. તેમણે કહ્યું કે વૈશ્વિક અને સ્થાનિક વિકાસને ધ્યાનમાં રાખીને, આર્થિક નીતિઓની પુનઃરચના પર વિચાર કરવો એ જરૂરી બની ગયુ છે.
તેમણે કેન્દ્ર-રાજ્યોના નાણાકીય સંબંધોની વ્યાપક સમીક્ષા વિશે પણ વાત કરી અને કહ્યું કે આનો પણ સમય આવી ગયો છે. પૂર્વ નાણામંત્રીએ કહ્યું કે રાજ્યોની આર્થિક સ્થિતિ આટલી નાજુક પહેલા ક્યારેય નહોતી રહી. જાકે, તેણે કહ્યું કે અહીં શ્રીલંકા જેવી સ્થિતિનો કોઈ ડર નથી. ચિદમ્બરમે કહ્યું હતું કે મોદી સરકારના દમનના પ્રયાસો છતાં અહીં લોકતાંત્રિક પ્રક્રિયા ચાલી રહી છે અને આપણે આર્થિક પડકારોનો સામનો કરી શકીશું.
ઘઉંની નિકાસ પર પ્રતિબંધ અંગે કોંગ્રેસના નેતાએ કહ્યું કે ઘઉંની ઉપજ લગભગ એકસરખી છે અને તેમાં ઘટાડો થયો નથી. આમ છતાં, સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે, જે ખેડૂત વિરોધી પગલું છે. તેમણે આરોપ લગાવ્યો કે મોદી સરકાર ખેડૂતોના હિતમાં કામ કરતી નથી.
જ્યારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, “હું માનું છું કે કેન્દ્ર સરકાર પૂરતા પ્રમાણમાં ઘઉંની ખરીદી કરવામાં નિષ્ફળ રહી છે. આ ખેડૂત વિરોધી પગલું છે. મને આશ્ચર્ય નથી કારણ કે આ સરકાર ક્યારેય ખેડૂત હિતેત્છુ રહી નથી.”
ચિદમ્બરમે કહ્યું કે જે રીતે ભાજપ ૨૦૦૩-૦૪માં શાઈનિંગ ઈન્ડિયા મોડમાં હતું, તેવી જ રીતે મોદી સરકાર પણ શાઈનિંગ ઈન્ડિયા મોડમાં છે. તેમણે પૂછ્યું કે ૨૦૧૩માં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જ્યારે અમારી સરકાર બનશે ત્યારે ડાલર ૪૦ રૂપિયાનો હશે, તો તેનું શું થયું. તેમણે કહ્યું કે સુષ્મા સ્વરાજે પણ ઘણી બેઠકોમાં આ વાત કહી હતી, પરંતુ આ તેમની નીતિઓમાં ખામી છે, જેના કારણે ડોલરની સરખામણીમાં રૂપિયો ૭૭.૪૨ પર આવી ગયો છે.
પી ચિદમ્બરમે દિલ્હીમાં લાગેલી આગમાં ૨૮ લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે સમગ્ર કોંગ્રેસ પાર્ટી પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે. જ્ઞાનવાપી મસ્જિદ સંબંધિત એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે દેશભરના ધાર્મિક સ્થળોની યથાસ્થિતિ જાળવી રાખવી જાઈએ.