સમગ્ર વિશ્વમાં કોરોનાનાં નવા વેરિઅન્ટે તકલીફો પર મીઠું નાખવાનું કામ કર્યુ છે. જા કે ભારતમાં પણ હવે ધીમે ધીમે ઓમિક્રોનનાં કેસ સતત વધી રહ્યા છે. ત્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનાં ડેટા દર્શાવે છે કે છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોવિડ-૧૯નાં ૬,૩૧૭ નવા કેસ અને ૩૧૮ મૃત્યુ નોંધાયા છે.
દરમિયાન, ભારતનો એમિક્રોન આંકડો ૨૧૩ પર પહોંચી ગયો. છેલ્લા ૨૪ કલાકમાં ૩૧૮ લોકોનાં મોત સાથે દેશમાં મૃત્યુઆંક ૪,૭૮,૩૨૫ પર પહોંચી ગયો છે. મંગળવારે ૧૨,૨૯,૫૧૨ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, કુલ ૨૧૩ ઓમિક્રોન કેસમાંથી, દિલ્હી અને મહારાષ્ટ્રમાં અનુક્રમે ૫૭ અને ૫૪ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં ૯૦ દર્દીઓ ઠીક થયા બાદ તેમને રજા આપવામાં આવી છે. દેશમાં અત્યાર સુધીમાં ૧,૩૮,૯૫,૯૦,૬૭૦ લોકોને કોવિડ-૧૯ રસી આપવામાં આવી છે, જેમાંથી મંગળવારે ૫૭,૦૫,૦૩૯ લોકોને રસી આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, વૈજ્ઞાનિકોએ કોરોનાની ત્રીજી લહેર અંગે અનુમાન લગાવ્યું છે. ભારતમાં વાયરસનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનને કારણે ફેબ્રુઆરી ૨૦૨૨માં કોવિડની નવી લહેર આવી શકે છે. બે વૈજ્ઞાનિકોએ મહામારી પર નજર રાખવા માટેનાં ફોર્મ્યુલા મોડલ વિશે અનુમાન લગાવ્યું છે.