એસોસિએશન ફોર ડેમોક્રેટિડ રિફોર્મ્સ એટલે કે એડીઆરનો એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશભરના રાજ્યોની વિધાનસભાઓમાં લગભગ ૪૪ ટકા ધારાસભ્યોએ પોતાની વિરુદ્ધ ગુનાહિત કેસ જાહેર કર્યા છે. એડીઆર અને નેશનલ ઈલેક્શન વોચ દ્વારા હાથ ધરવામાં આવેલા વિશ્લેષણમાં સમગ્ર દેશમાં રાજ્યની વિધાનસભાઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વર્તમાન ધારાસભ્યોના સોગંદનામાની તપાસ કરવામાં આવી હતી.
આ ડેટા તાજેતરની ચૂંટણી સોગંદનામામાંથી એકત્રિત કરવામાં આવ્યા હતા. વિશ્લેષણમાં ૨૮ રાજ્યની વિધાનસભાઓ અને ૨ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કાર્યરત કુલ ૪,૦૩૩માંથી ૪,૦૦૧ ધારાસભ્યોને આવરી
લેવામાં આવ્યા છે. જેના આધારે એડીઆર રિપોર્ટ બહાર આવ્યો છે. એડીઆર મુજબ વિશ્લેષણ કરાયેલા ૧,૧૩૬ અથવા લગભગ ૨૮ ટકા ધારાસભ્યોએ પોતાની સામે ગંભીર ગુનાહિત કેસ જાહેર કર્યા હતા. જેમાં હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ અને મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ સામેલ છે.
કેરળમાં ૧૩૫માંથી ૯૫ ધારાસભ્યો એટલે કે ૭૦ ટકાએ પોતાની વિરુદ્ધ ગુનાહિત કેસ જાહેર કર્યા છે. એ જ રીતે બિહારમાં ૨૪૨માંથી ૧૬૧ ધારાસભ્યો (૬૭ ટકા), દિલ્હીમાં ૭૦માંથી ૪૪ ધારાસભ્યો (૬૩ ટકા), મહારાષ્ટ્રમાં ૨૮૪માંથી ૧૭૫ ધારાસભ્યો (૬૨ ટકા), તેલંગાણામાં ૧૧૮માંથી ૭૨ ધારાસભ્યો (૬૧ ટકા) અને તમિલનાડુમાં ૨૨૪ ધારાસભ્યોમાંથી ૧૩૪ ધારાસભ્યો (૬૦ ટકા)એ તેમના સોગંદનામામાં પોતાની સામેના ગુનાહિત કેસ જાહેર કર્યા હતા. આ સિવાય એડીઆરએ અહેવાલ આપ્યો છે કે દિલ્હીમાં ૭૦ માંથી ૩૭ ધારાસભ્યો (૫૩ ટકા), બિહારમાં ૨૪૨ માંથી ૧૨૨ ધારાસભ્યો (૫૦ ટકા), મહારાષ્ટ્રમાં ૨૮૪ માંથી ૧૧૪ ધારાસભ્યો (૪૦ ટકા), ઝારખંડમાં ૭૯ માંથી ૩૧ (૩૯ ટકા) ધારાસભ્યો, તેલંગાણામાં ૧૧૮ માંથી ૪૬ ધારાસભ્યો (૩૯ ટકા) અને ઉત્તર પ્રદેશમાં ૪૦૩ માંથી ૧૫૫ ધારાસભ્યોએ (૩૮ ટકા) પોતાની સામે ગંભીર ગુનાહિત કેસ જાહેર કર્યા હતા.