દિલ્હી-એનસીઆરમાં રખડતા કૂતરા એક મોટી સમસ્યા બની ગયા છે, બાળકો અને મહિલાઓ દરરોજ તેમનો શિકાર બને છે. આવા કેસોને ધ્યાનમાં રાખીને, સુપ્રીમ કોર્ટ દ્વારા હવે એક મોટો આદેશ જારી કરવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી, ગુરુગ્રામ, ગાઝિયાબાદ અને નોઈડામાં રહેલા રખડતા કૂતરાઓને શક્ય તેટલી વહેલી તકે પકડીને આશ્રય ગૃહોમાં રાખવામાં આવે. કોર્ટે કહ્યું કે સામાન્ય લોકોની સલામતી સૌથી મહત્વપૂર્ણ છે, આમાં લાગણીઓ જાઈ શકાતી નથી. આવી સ્થિતિમાં, ચાલો તમને રખડતા કૂતરાઓ સાથે સંબંધિત કેટલાક તથ્યો જણાવીએ.

પશુપાલન અને ડેરી મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ડેટા પર નજર કરીએ તો, એક વર્ષમાં રખડતા કૂતરા કરડવાના કેસ લાખોમાં છે. એવું કહેવામાં આવ્યું છે કે બાળકો આનો સૌથી વધુ ભોગ બન્યા છે. આ સાથે મૃત્યુના આંકડા પણ જાહેર કરવામાં આવ્યા છે.

જાન્યુઆરી ૨૦૨૪ થી ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં, કૂતરા કરડવાના કુલ ૩૭૧૭૩૩૬ કેસ નોંધાયા હતા. એટલે કે ૩૭ લાખથી વધુ લોકોને કૂતરા કરડ્યા હતા. ડેટા અનુસાર, ૨૧૯૫૧૨૨ કેસ ગ્રામીણ વિસ્તારોમાંથી આવ્યા હતા. આ વર્ષે કૂતરા કરડવાથી ૩૭ લોકોના મૃત્યુ થયા હતા, જેમાં મોટાભાગના કેસ હડકવાના હતા. મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા અહેવાલ મુજબ, ૫૧૯૭૦૪ કેસ ૧૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના હતા, જેમને કૂતરા કરડ્યા હતા. મોટાભાગના લોકો એવા હતા જેમણે કૂતરા કરડ્યા પછી તરત જ હડકવાની રસી લીધી હતી. જેના કારણે તેમના જીવ બચી ગયા હતા.

દેશના તમામ રાજ્યોમાં કૂતરા કરડવાના કેસ નોંધાય છે, જેનો ડેટા સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે. ગયા વર્ષે એટલે કે ૨૦૨૪માં રાજધાની દિલ્હીમાં ૨૫ હજારથી વધુ કૂતરા કરડવાના કેસ નોંધાયા હતા. તે જ સમયે, મહારાષ્ટÙમાં ૪ લાખ ૮૫ હજારથી વધુ કેસ નોંધાયા હતા. તમિલનાડુમાં ચાર લાખ ૮૦ હજાર, ગુજરાતમાં ત્રણ લાખ ૯૨ હજાર, કર્ણાટકમાં ત્રણ લાખ ૬૧ હજાર, ઉત્તર પ્રદેશમાં એક લાખ ૬૪ હજાર, રાજસ્થાનમાં એક લાખ ૪૦ હજાર, બિહારમાં બે લાખ ૬૩ હજાર, આંધ્રપ્રદેશમાં બે લાખ ૪૫ હજાર અને આસામમાં એક લાખ ૬૬ હજાર કેસ નોંધાયા છે.

ભારત સરકારનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય કૂતરા કરડવા અને હડકવા સંબંધિત કેસોની તપાસ કરે છે. આ માટે, રાષ્ટ્રીય હડકવા નિયંત્રણ કાર્યક્રમ હેઠળ ઘણા પગલાં લેવામાં આવે છે. જેમાં રાજ્યોને હડકવા રસી માટે બજેટ આપવું, દરેક શહેર અને ગામના સમુદાય કેન્દ્રોમાં હડકવા વિરોધી રસી પહોંચાડવી, આ માટે વર્કશોપનું આયોજન કરવું, હડકવા વિરોધી કલીનિક્સ સ્થાપવા, હડકવા મુક્ત પહેલ શરૂ કરવી, તાલીમ કાર્યક્રમો અને હડકવા હેલ્પલાઇન જારી કરવી શામેલ છે.