દેશભરમાં રાજકીય ધમાસાણ, ઘણી રાજકીય પાર્ટીઓએ મેચનો બહિષ્કાર કરવા હાકલ કરી

એશિયા કપમાં બે કટ્ટર હરીફ દેશો ભારત અને પાકિસ્તાનનો મુકાબલો થશે. આ મેગા મુકાબલા પહેલા દેશમાં રાજકીય ધમાસાણ શરૂ થયું હતું. ઘણી પાર્ટીઓએ મેચનો બહિષ્કાર કરવા હાકલ કરી હતી. વિરોધ પક્ષોનું કહેવું છે કે પાકિસ્તાન સાથે મેચ રમવી એ શહીદોનું અપમાન છે. આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂતળાનું દહન કર્યું હતું. નેતા સૌરભ ભારદ્વાજ અને કાર્યકરોએ ‘લોહી અને મેચ એકસાથે ન ચાલે’ જેવા નારા લગાવ્યા હતા. વિવિધ રાજકીય પક્ષો દ્વારા વિરોધનો વંટોળ ઉઠતાં બોર્ડના સચિવે સ્પષ્ટતા કરી કે બોર્ડ સરકારના આદેશોનું પાલન કરે છે. સરકારે નિયમ બનાવ્યો છે કે ભારત આઈસીસી ટૂર્નામેન્ટ્‌સમાં પાકિસ્તાન સાથે રમી શકે છે, પરંતુ કોઈ દ્વિપક્ષીય શ્રેણી નહીં રમે. શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, જે પાકિસ્તાન સાથે આપણે યુદ્ધ લડી રહ્યા હતા, તેની સાથે મેચ રમી રહ્યા છીએ. આ લોકો દેશભક્તિની મજાક ઉડાવી રહ્યા છે, જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે, અમારી સમસ્યા હંમેશા દ્વિપક્ષીય મેચો સાથે રહી છે, મોટી ટૂર્નામેન્ટ્‌સ સાથે નહીં. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન સામે બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભારતના સારા રેકોર્ડને જોતા ભારતનું પલડું ભારે છે, તેમ છતાં આ વખતે ચાહકોમાં મેચને લઈને ઓછો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એપ્રિલમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા સૈન્ય કાર્યવાહી કરી હતી, જેના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદ વધ્યો હતો. આ જ કારણોસર મેચનો બહિષ્કાર કરવાની માંગ ઊભી થઈ છે.

શુભમ દ્વિવેદીના પરિવારે ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચનો સખત વિરોધ કર્યો
કાનપુરમાં પહેલગામ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનાર શુભમ દ્વિવેદીના પરિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચનો વિરોધ કર્યો છે. શુક્રવારે, પરિવારે કહ્યું કે પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવું એ હુમલામાં જીવ ગુમાવનારાઓનું અપમાન છે. શુભમની પત્ની ઐશાન્યાએ કહ્યું કે આ મેચ રાષ્ટ્રવિરોધી છે. ભારતીય ક્રિકેટ બોર્ડ મારા પતિના બલિદાનને થોડા મહિનામાં જ ભૂલી ગયું.

પૂર્વ ક્રિકેટર હરભજન સિંહે શું કહ્યું?
ભૂતપૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહે કહ્યું કે, ભારત-પાકિસ્તાનની મેચ હંમેશા ચર્ચામાં રહે છે, પરંતુ ‘ઓપરેશન સિંદૂર’ પછી સૌએ કહ્યું હતું કે પાકિસ્તાન સાથે ન રમવું કે ન વેપાર કરવો. અમે ‘વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્‌સ’ રમી રહ્યા હતા, પરંતુ અમે પાકિસ્તાન સામે મેચ રમ્યા નહોતા. હરભજને વધુમાં જણાવ્યું કે વ્યક્તિગત રીતે તેઓ પાકિસ્તાન સાથે રમતગમત કે વેપાર સંબંધોના પક્ષમાં નથી, પરંતુ જ્યારે બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટની વાત આવે છે, ત્યારે તેઓ સરકારની નીતિનું સન્માન કરે છે.