દેશના સાત મોટા શહેરમાં રૂ. ૪.૪૮ લાખ કરોડની કિંમતના આશરે ૪.૮ લાખ ઘરોનું બાંધકામ હાલ અટકી ગયું છે અથવા તેમાં મોડું થઈ રહ્યું છે. પ્રોપર્ટી કન્સલ્ટન્ટ ફર્મ એનારોકના રિસર્ચ રિપોર્ટ પ્રમાણે, મે ૨૦૨૨ના અંત સુધી આ સાત શહેરમાં રૂ. ૪,૪૮,૧૨૯ કરોડના મૂલ્યના ૪,૭૯,૯૪૦ ઘર બાંધકામના વિવિધ તબક્કામાં અટકી ગયા હતા, જ્યારે વર્ષ ૨૦૨૧ના અંતમાં રૂ. ૪.૮૪ લાખ કરોડના મૂલ્યના આશરે ૫,૧૬,૭૭૦ ઘરોનું બાંધકામ પણ વિવિધ તબક્કામાં અટકી ગયું હતું.
આ વર્ષે જોન્યુઆરીથી મે ૨૦૨૨ વચ્ચે જોન્યુઆરી ૨૦૨૨થી મે ૨૦૨૨ વચ્ચે આ શહેરોમાં ધીમી ગતિએ બની રહેલા ૩૬,૮૩૦ ઘરનું બાંધકામ પણ પૂરું થયું છે. દેશના આ સાત મોટા શહેરમાં દિલ્હી-એનસીઆર, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ, બેંગલુરુ, હૈદરાબાદ અને પૂણે સામેલ છે.
એનારોકના રિપોર્ટ પ્રમાણે, દેશના સાત મોટા શહેરોમાં બાંધકામ અટક્યું હોય તેવા મકાનોમાં દિલ્હી-એનસીઆરનો હિસ્સો ૭૭% છે, જ્યારે બેંગલુરુ, હૈદરાબાદ, ચેન્નઈનો ૯% તેમજ પૂણેનો ૯% છે. દિલ્હી-એનસીઆરમાં હાલ રૂ. ૧,૮૧,૪૧૦ કરોડના મૂલ્યના ૨,૪૦,૬૧૦ ઘરોનું બાંધકામ અટકેલું છે. હાલમાં રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટમાં ફેરફાર કરાયો છે. જેના કારણે આવનારા સમયમાં દેશમાં મકાનોની ખરીદી પર અસર જોવા મળી શકે છે.