મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પત્રકારો સાથે વાત કરતા કહ્યું, “જો બાવનકુલે ઇચ્છે તો તેઓ મને ૧૦૦ વર્ષ સુધી મુખ્યમંત્રી પદ પર રાખી શકે છે. ફડણવીસે કહ્યું, તેઓ મારું ભલું ઇચ્છે છે, પરંતુ રાજકારણમાં ભૂમિકાઓ બદલાતી રહે છે. દરેકની ભૂમિકા બદલવી જોઈએ કારણ કે કોઈ પણ વ્યક્તિ લાંબા સમય સુધી એક પદ પર રહેતું નથી, તેથી જ્યારે સમય આવશે ત્યારે મારી ભૂમિકા પણ બદલાશે.” તમને જણાવી દઈએ કે રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી બાવનકુલેએ શુક્રવારે કહ્યું હતું કે ફડણવીસ મહારાષ્ટ્રના અત્યાર સુધીના શ્રેષ્ઠ મુખ્યમંત્રી છે અને તેઓ ૨૦૩૪ સુધી મુખ્યમંત્રી રહેશે.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના રાજ્ય એકમના પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલેએ એક દિવસ પહેલા કહ્યું હતું કે ફડણવીસ ૨૦૩૪ સુધી તેમના પદ પર રહેશે. બાવનકુલેએ મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે ફડણવીસ ૨૦૩૪ સુધી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહેશે અને ‘વિકસિત મહારાષ્ટ્ર’નું સ્વપ્ન સાકાર કરશે. ફડણવીસે મહારાષ્ટ્રના વિકાસ માટે એક નક્કર રોડમેપ તૈયાર કર્યો છે, જેને પૂર્ણ કરવા માટે આગામી ૯ વર્ષ માટે તેમનું નેતૃત્વ જરૂરી છે. તેઓ અત્યાર સુધીના સૌથી સફળ મુખ્યમંત્રી છે.
જ્યારે ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેને બાવનકુલેના નિવેદન પર પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેમણે ટૂંકમાં કહ્યું, “શુભેચ્છાઓ.” આ સાથે શિવસેનાના નેતા રામદાસ કદમે કહ્યું, “જો ફડણવીસ ૨૦૮૦ સુધી મુખ્યમંત્રી રહે છે, તો અમને કોઈ વાંધો નથી. અમારી શુભકામનાઓ ફડણવીસ, બાવનકુલે અને એકનાથ શિંદે, ત્રણેય સાથે છે. અમે બધા એક છીએ, કોઈ અમારી વચ્ચે અણબનાવ પેદા કરી શકે નહીં.”