(૧) સાહેબ..! તમે તો ડોકટર છો, તો મને જણાવશો કે તમારા સવાલના જવાબ વાંચતી વખતે મને હેડકી કેમ આવતી હશે? ધોરાજીયા ઘનશ્યામભાઈ એન. (સાજણટીંબા)
તમને તો હેડકી જ આવે છેને..ઘણા ઓનલાઇન વસ્તુ મંગાવે એમાં ભેગી દેડકી પણ આવે છે!
(૨) બાળકો ભગવાનનું રૂપ છે તો શિક્ષકો બાળકોને મારે છે શું કામ?
રાજુ એન. જોષી (ધરાઈ -બાલમુકુંદ)
તમારા ગામના શિક્ષકોના ફોન નંબર મોકલજો. એને સમજાવીશું કે હવે નહિ મારતા!
(૩) જિંદગીમાં ભારતીય અને પશ્ચિમ બેય વિચારનો સમન્વય કરવો હોય તો શું કરવું? જય દવે (ભાવનગર)
બાવળનાં દાંતણ પર ટ્યુબ લગાડી દાંતે ઘસો.
(૪) કાકા મટીને ભત્રીજા થવું એટલે શું? કનુભાઈ લિંબાસિયા ‘કનવર’ (ચિત્તલ હાલ કેનેડા) મતદાર મટીને ઉમેદવાર થાવું!
(૫) સાહેબ..! અત્યાર સુધીમાં એવો ક્યો અઘરો સવાલ હતો કે જેમનો જવાબ તમે ના આપી શક્યા હો?
ધોરાજીયા કેવિન ઘનશ્યામ (સાજણટીંબા હાલ કેનેડા)
અઘરો સવાલ આવે ત્યારે એને હું બે ત્રણ મહિના પડ્યો રહેવા દઉં. એ સવાલ પછી પડ્યો પડ્યો સહેલો થઈ જાય!
(૬) દેવું કરીને દારૂ પીવાય? દર્શન પટેલ (વડોદરા)
પેલા એ વિચારો કે તમને દેશે કોણ?
(૭) મારી નસકોરા બોલાવવાની આદતથી કંટાળીને મારાં પત્ની છૂટાછેડા લેવા માગે છે. શું કરવું? જે.આર. પટેલ (રાજકોટ) તમે અનેક પુરુષોને નસકોરા બોલાવવાની પ્રેરણા આપશો એવું લાગે છે!
(૮) ગુજરાતના દરેક ગામને તાલુકા બનાવી દીધા હોય તો? ઉન્નતિ મહેતા (રાજકોટ) એટલા બધા ટીડીઓ અને મામલતદાર ક્યાંથી કાઢવા?! (૯) ખૂરશીમાંથી ખાટલો કેમ બનાવવો? મીતેશ સરવૈયા (ગળકોટડી)
થાળી ભાંગી ને વાટકા કરો છો એમ.
(૧૦) મારે તમારી જેમ હાસ્ય લેખ લખવાની ઈચ્છા છે તો મારે સૌ પ્રથમ શું કરવું જોઈએ. યોગેશભાઈ આર જોશી (હાલોલ જિ.પંચમહાલ)
પ્રથમ મારી જેમ કરુણ લેખો લખો.
(૧૧) દીકરા -દીકરી ઉંમરલાયક થાય પછી કેટલાક લોકો સંબંધીઓના સારા -નરસા પ્રસંગે હાજરી આપીને બહુ વ્યવહારુ બની જાય છે. કેમ ? કનુભાઈ પરમાર (દામનગર) પછી જવાબ આપીશ. હું અત્યારે એક સંબંધીને ઘેર સારા પ્રસંગે હાજરી આપવા આવ્યો છું.
(૧૨) મોઢું બરાબર ખૂલતું ન હોય તો ડોકટર પાસે જવાય કે પકોડીવાળા પાસે? શંભુ ખાંટ ‘ (પાટ્યો અરવલ્લી) જવાય તો ડોકટર પાસે જ પણ વાયા પકોડીવાળા પાસે થઈને!
(૧૩) યોગ, વિયોગ અને સહયોગ આ ત્રણમાં શ્રેષ્ઠ શું? આમાં આપને વધુ શું ગમે? શા માટે? ડાહ્યાભાઈ આદ્રોજા (લીલિયા મોટા)
એક સાથે ત્રણ સવાલ? તમે એક ખણિયાથી ત્રણ છીંડા બુરવા પ્રયત્ન કર્યો છે.
(૧૪) તપેલી ઠંડી હોય તોય એને તપેલી જ કેમ કહેવાય છે અને મીઠું ખારું છે તોય એને મીઠું કેમ કહેવાય છે.? કોબાડ ભગવાન એસ. (મોટા સરાકડિયા)
આપણે એમાં શું કરી શકીએ? આધાકાર્ડમાં જે નામ છપાઈ ગયા હોય એ ચલાવવા પડે.
(૧૫)જ્યાં શાંતિભાઈ અને શાંતિબેન હશે ત્યાં શાંતિ જ શાંતિ હશેને?
જયશ્રીબેન બી. મહેતા (કોટડાપીઠા) નક્કી ન કહેવાય, એનાથી ઊંધું પણ હોય. નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્સએપ
નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..