લગ્નજીવનમાં દંપતી વચ્ચે ક્યારેક ખટરાગ થતો હોય છે, જોકે અમુક વખત વાત વધુ પડતી વણસી જતાં બેમાંથી એક વ્યક્તિ અવિચાર્યું પગલું ભરી બેસતા હોય છે. આવું જ કંઈક વડિયાના દેવગામે થયું છે. ગામનો એક યુવક લગ્ન બાદ પત્ની સાથે ડાયમંડ નગરી સુરતમાં સ્થાયી થયો હતો. આ દરમિયાન બંને વચ્ચે કોઈ મુદ્દે માથાકૂટ થતાં પત્ની પિયર જતી રહી હતી અને તે માદરે વતન આવી ગયો હતો. વતનમાં આવીને એકલું લાગતાં તેણે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું. જેના પગલે ગામમાં ચકચાર મચી ગઈ હતી અને યુવકના પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. બનાવ અંગે રમેશભાઇ ભીખાભાઇ રાદડિયા (ઉ.વ.૪૫)એ જાહેર કર્યા મુજબ, મૃતક મેહુલભાઈ પરશોતમભાઇ રાદડિયા (ઉ.વ.૩૫) પત્ની સાથે છેલ્લા પાંચ વર્ષથી સુરત રહેતા હતા. ૨૫/૧૧/૨૦૨૧ ના રોજ બન્ને વચ્ચે ઘરેલું ઝઘડો થતાં તેની પત્ની પિયર જતી રહી હતી અને તે વતન આવ્યો હતો. આ બાબતે સમાધાનના પ્રયત્ન કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નહોતો. પત્ની પરત ફરવા તૈયાર ન હોવાથી તેને લાગી આવ્યું હતું અને એકલવાયા જીવનથી કંટાળી જઇ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. વડિયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.કે.મોરવાડીયા વધુ તપાસ કરી રહ્યા છે.