રાજુલા તાલુકાના દેવકા ગામે ફેરાનું ભાડું માંગવા મુદ્દે પુરુષને ઢીકાપાટુ મારવામાં આવ્યા હતા અને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. આ બનાવ અંગે કરશનભાઈ હરજીભાઈ ચૌહાણ (ઉ.વ.૪૮)એ તેમના જ ગામના માણસુરભાઈ હરસુરભાઈ વાવડીયા સામે ફરિયાદ નોંધાવી છે. જે મુજબ માણસુરભાઈએ કરશનભાઈના ટ્રેકટર દ્વારા માટીના ચાર ફેરા તેમની વાડીએ સિમેન્ટના ભુંગળા નખાવવા માટે મંગાવ્યા હતા. જે અંગે તેમણે માટીના ફેરાનું ભાડું માંગતા આરોપીએ જેમફાવે તેમ ગાળો આપતાં તેમણે ગામના સરપંચ અરજણભાઇને ફોન કરી આ બાબતની જાણ કરી હતી. જેથી આરોપીને સારૂ નહોતું લાગ્યું અને તેનુ મનદુઃખ રાખી તેમનું ટ્રેકટર રિપેરીંગમાં હોવાની આરોપીને જાણ હોવા છતા માટીનો એક ફેરો નાખવાનું કહેતા તેમણે ફેરો કરવાની ના પાડી હતી. જેથી આરોપીએ ઉશકેરાઇ લોખંડના પાઇપનો એક ઘા માથાના ભાગે મારી તથા શરીરે આડેધડ ઢીકાપાટુનો મુંઢમાર મારી જેમ-ફાવે તેમ ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.