કપડવંજ સેશન્સ કોર્ટે દુષ્કર્મના મામલામાં મહત્વનો ચુકાદો આપ્યો છે. અગાઉ દુષ્કર્મના કેસમાં સજા પામેલા આરોપીએ ફરી દુષ્કર્મ આચરતાં આરોપીને આજીવન એટલે જીવે ત્યાં સુધી કેદની સજા ફટકારી છે. આરોપી રાહુલ ઉર્ફે બોકડો દિલીપભાઈ વાંસફોડીયાને બળાત્કારના ગુનામાં ૨૦ વર્ષની કેદની સજા થઈ હતી. આરોપી વચગાળાના જામીન પર મુક્ત થયો હતો તે દરમિયાન તેણે અન્ય એક સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી અને લગ્ન કરવાની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ ગુજારી ભોગ બનનારને ગર્ભવતી બનાવી હતી.
સરકારી વકીલ મિનેષ.આર.પટેલે રજૂ કરેલા ૩૧ થી વધુ દસ્તાવેજી પુરાવા અને ૧૩ મૌખિક પુરાવા અને દલીલોને ધ્યાનમાં રાખી કપડવંજ સેશન્સ કોર્ટના સ્પે.જજ (સ્પે.પોસ્કો) કે.એસ.પટેલે ચુકાદો આપ્યો હતો.તેમજ ભોગ બનનારને રૂપિયા પાંચ લાખ વળતર ચુકવવાનો પણ હુકમ કર્યો હતો.
આ બાબતે સરકારી વકીલ મિનેષ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, કઠલાલ ખાતે રહેતા રાહુલ ઉર્ફે બોકડો દિલીપભાઈ વાંસફોડીયા નામના આરોપીએ ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૫ થી ૮ જૂન ૨૦૨૫ સુધીના સમયગાળા દરમિયાન એક સગીરાને લલચાવી ફોસલાવી રેલવે ફાટક પાસે ઝાડી ઝાંખરામાં લઈ જઈ મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું અને ત્યાર બાદ અવાર-નવાર દુષ્કર્મ કરેલું જેના કારણે સગીરા ગર્ભવતી બની હતી.આ મતલબની ફરિયાદ કઠલાલ પોલીસ સ્ટેશનમાં સગીરાના પરિવારજનો તરફથી આપવામાં આવી હતી.
ફરિયાદ દાખલ થઈ તેની ચાર્જશીટ થઈ અને આ ગુનાના આરોપીને શુક્રવારે સજા કરેલી છે. આ આરોપીએ અગાઉ પણ દુષ્કર્મ કેસમાં વીસ વર્ષની સજા થઈ હતી. ત્યારબાદ તે જામીન ઉપર છુટ્યો હતો. આ દરમિયાન ફરીથી બીજી દીકરી સાથે પણ તેને દુષ્કર્મ આચર્યુ. આ કેસ શુક્રવારે કઠલાલની કોર્ચમાં ચાલી જતા આરોપી રાહુલને નામદાર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. સાથે સાથે ચુકાદામાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે, આજીવન એટલે કે અંતિમ શ્વાસ સુધીની સજા કરેલી છે, સાથે ૨૫૦૦ રૂપિયાનો દંડ પણ ફટકારેલો છે.
ભોગ બનનારને રૂપિયા ૫ લાખનું વળતર આપવાનો પણ નામદાર કોર્ટે હુકમ કર્યો છે. આરોપી જેલમાં જ હોઈ વીડિયો કોન્ફરન્સથી ૬ માર્ચના રોજ તેને રજૂ કરેલો અને તેનું જેલ વોરંટ ભરીને તેને પરત મોકલી દીધું છે.










































