અકસ્માતો બનતા રહેતા હોય છે. આપણે અકસ્માતોને કુદરતી અને માનવસર્જિત એવા મુખ્ય બે ભાગમાં વહેચીએ છીએ. વ્યાખ્યા એવી કરીએ છીએ કે જેમાં કુદરતી પરિબળો જવાબદાર હોય એ ઘટના કે અકસ્માત કુદરતી ગણવા અને જે અકસ્માત થવા પાછળ કોઈ ને કોઈ રીતે માનવીય ભૂલ જવાબદાર હોય તેને માનવસર્જિત અકસ્માત ગણવા. સુક્ષ્મ વિશ્લેષણ કરીએ તો કોઈપણ અકસ્માતને કુદરતી ગણાવી શકાય નહિ. કુદરતની પોતાની ગતિ ચોક્કસ છે. લાખો વર્ષોના સમયગાળામાં આવતા પરિવર્તન કુદરતી ક્રમને આધારિત છે. પણ ટૂંકા સમયગાળાના જે પરિવર્તન આવી રહ્યા છે એ પણ માનવસર્જિત છેડછાડને આભારી છે. અતિવૃષ્ટિ,
અનાવૃષ્ટિ, જમીનનું ખસવું જેવા કુદરતી અપક્રમ માણસ દ્વારા પ્રકૃતિની રંજાડનું પરિણામ છે. કુદરતને પકડીને સજા નથી કરી શકાતી નહીતર માણસ પોતાના દરેક અપરાધ બદલ કુદરતને ફાંસીએ ચઢાવી રાખત. આમ પણ ધારેલું મિથ્યા થતું નથી જેવો બાવાઓએ આપેલો આપણો ધાર્મિક મુદ્રાલેખ હાથવગો જ છે. દરેક આફતને કુદરત કોપાયમાન થઇ કહીને છટકી જવાની આપણી પલાયનવૃત્તિ અદભુત છે.
ભ્રષ્ટાચારના સ્વરૂપો શું હોઈ શકે ? કદાચ ઈશ્વર પછી આ એક જ એવો ખ્યાલ છે જે નિરાકાર, નિર્ગુણ, સર્વવ્યાપ્ય અને બ્રહ્માંડની જેમ અનંત છે. એ ઈશ્વરની જેમ પ્રગટ થયા બાદ જ તેનું અસ્સલ સ્વરૂપ જોવા મળે છે. આજે દેશ એક ગંભીર કૌતુક ભર્યા માનવસર્જિત ભ્રષ્ટાચારના અપરાધને અચંબાથી જોઈ રહ્યો છે. થોડા સમયગાળા દરમિયાન દેશની જનતા ઘણા મોટા પુલો બેસી જવાની કે જમીનદોસ્ત થઇ જવાની ઘટનાઓનો સાક્ષી બન્યો છે. નવા પુલમાં ગાબડા પડી જવા કે પહેલા વરસાદમાં પાક્કા રોડ ધોવાઇ જવાની ઘટનાને હવે આપણે ગંભીરની કક્ષામાં નથી મુકતા, એ સામાન્ય છે. રસ્તાના ખાડાઓ, હલકી ગુણવતાના જાહેર માર્ગોથી લઈને આપણી પ્રગતિ હવે પુલ સુધી પહોચી ગઈ છે. સોશ્યલ મીડિયા પર કટાક્ષ ચાલી રહ્યો છે કે સિવિલ શાખાના એન્જીનીયરો પુલો બનાવવાવાળું ચેપ્ટર ઓપ્શનમાં કાઢી રહ્યા હોવાનું આ પરિણામ છે. અમદાવાદમાં એક પુલ ઉપયોગમાં લેવાતા પહેલા પાડીને નવો બનાવવો પડે એમ છે. છેલ્લા થોડા સમયથી ન્યાયતંત્ર આ બાબતને લઈને જાગરુક થયું છે, જો કે દર વર્ષે આ સિઝનમાં થાય છે. આમ ૧૯૫૧થી લઈને આજતક કાયદાના અમલીકરણ કે કાયદાના અર્થઘટન બાબતે વહીવટી તંત્ર અને ન્યાયતંત્રનો સંઘર્ષ થતો આવ્યો છે. ન્યાયતંત્ર વારે વારે કોઈ જાહેર મુદ્દાઓને લઈને વહીવટી તંત્રને ફટકાર લગાવે છે. એ જગજાહેર વાત છે કે દર ચોમાસે પહેલા વરસાદમાં જ આપણા રસ્તાઓની હાલત ખસ્તા થઇ જાય છે. પોતાના સગાવહાલા કે કોન્ટ્રાકટરો સાથેની મીલીભગતમાં કામ અપાવીને પોતાનું રાજકીય જીવન સાર્થક કરતા સ્થાનિક પદાધિકારીઓને લીધે આવા પ્રશ્નો ઉકેલાવાનું નામ નથી લેતા. ગેરેજ મીકેનીકો માટે ગાડીઓના જમ્પરોનું સમારકામ અને વેચાણની સિઝન થઇ પડે છે અને સ્લીપ ડિસ્ક જેવા દુઃખાવાઓનો ઈલાજ કરતા ડોક્ટર્સને કામ ઘણું રહેવા લાગે છે. ખાડાઓની સાઈઝનો જે તેની ભ્રષ્ટાચાર કરી શકવાની ક્ષમતા સાથે સીધો સંબંધ સ્થાપિત કે સાબિત કરી શકાય એ હદનો પારદર્શી ભ્રષ્ટાચાર અમલમાં છે. ગયા વર્ષે છાપાઓમાં બે આંકડાઓની સરખામણી વાંચવા મળી હતી, વિગત કઈક આવી હતી કે ભારતમાં દર વર્ષે રોડ પરના પોટહોલ એટલે કે ખાડાઓને લઈને મરનારાઓની સંખ્યા આશરે ૩૬૦૦ ની આસપાસ છે જયારે આતંકવાદથી મરનારાઓની સંખ્યા આશરે ૮૦૦ છે. એ હિસાબે દેશમાં સાડાચાર ગણો આતંક ખાડાઓ દ્વારા ફેલાયેલો છે. સાડા ચાર ગણા માણસોનો ભોગ રસ્તાના ખાડાઓ લે છે. એ હિસાબે તો આ હલકી ગુણવત્તા વાળા રોડ અને પુલ બનાવનારા પણ પરોક્ષ આતંકીઓની કક્ષામાં આવી જાય. દેશની સવાસો કરોડની સમગ્ર જનતા એનાથી ત્રસ્ત છે. જનતા મીડિયા સમક્ષ આવીને બે દિવસ બરાડા પાડીને પછી શાંત થઇ જાય છે. જનતાને આ બધું કોઠે પડી ગયું છે.
જ્યાં સુધી સામાન્યમાં સામાન્ય માણસનું યોગદાન રાષ્ટ્રને નથી મળતું ત્યાં સુધી સમગ્ર રાષ્ટ્રની ઉન્નતિ સંભવ નથી. યોગદાન વિધેયાત્મક અને નિષેધાત્મક બંને છેડાનું જરૂરી છે. જ્યાં સહકાર જરૂરી છે ત્યાં સહકાર અને જ્યાં પડકાર જરૂરી છે ત્યાં પડકાર આવવો જરૂરી છે. અવાજ ઉઠાવવાની જવાબદારી માત્ર છાપાવાળા અને ટીવીવાળાઓની નથી. પ્રજાની અધિકાર માંગતી અને ફરજથી દુર ભાગતી માનસિકતા દેશની ઉન્નતિમાં મોટામાં મોટો અવરોધ સાબિત થઇ રહે છે. ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવવાને આપને ત્યાં રાષ્ટ્ર યોગદાન નથી ગણવામાં આવતું. દેશ પેદા કરેલા વેપારીઓ માત્રથી નથી ઓળખાતો, દેશને પ્રજા મહાન બનાવે છે.
સવાલ જે-તે ની ફરજચૂકનો છે. વાહિયાત મુદ્દાઓ પર મચ્છરની જેમ ગણગણતા નિવેદનો આપતા નેતાઓ આવા મુદ્દે બ્યુરેક્રેસીને દોષ આપીને હાથ ખંખેરી નાખે છે. મત માગવા ટાણે આવા કામોનું જનતાના ખર્ચે સમારકામ કરાવીને જનતાની વાહવાહી બટોરી લે છે. આ ન્યાયતંત્રનું કામ નથી અને તેણે આમાં દખલગીરી ના કરવી જોઈએ એવી દલીલો ચલાવનારા વિવેચકો, બબૂચકો આ મુદ્દે પદાધિકારીઓ કે અધિકારીઓનો કાંઠલો પકડી શકતા નથી કારણ કે એની સ્વામીભક્તિથી જ તેઓની દુકાન ચાલતી રહેતી હોય છે. ભ્રષ્ટાચારના આ કળણમાં નેતાઓ અને ઈજારદારો સાથે ગળાડૂબ ખુંપેલી બ્યુરોક્રેસી એક્શન લઇ શકવા સક્ષમ નથી રહેતી. આપણે ત્યાં સ્થાનિક કક્ષાએ આવા કામો આપવાની પ્રથા અને નીતિનિયમો વર્ષો જુના જરીપુરાણા છે. કામ આપવાના અને કામની સમીક્ષાના નિયમો ધરમૂળથી બદલાવ માંગે છે. જ્યા સુધી સ્થાનિક પદાધિકારીઓ કે અધિકારીઓના સાળા-બનેવી-સાઢું કે ભાઈ ભત્રીજાને બેરોકટોક આવા કામોની સોપણી થતી રહેશે ત્યાં સુધી જનતાએ ખાડાઓ, ટ્રાફિક, ગંદકી જેવી અવ્યવસ્થાથી ટેવાઈ જવું પડશે. વાંક જનતાનો પણ ઓછો નથી, આવા કામો ચાલતા હોય ત્યારે ત્યાં નજર નાખવાની તસ્દી પણ ના લેતી અને ચાલુ કામને લઈને નાકનું ટેરવું ચડાવતી પ્રજાની પણ જવાબદારી બની રહે છે કામ બરાબર નિયમાનુસાર થાય તે જોવાની. હકીકતમાં ભ્રષ્ટાચાર હિન્દુસ્તાનની જનતાના કોઠે પડી ગયો છે.
ક્વિક નોટ – ધીરસ્ય સ્પષ્ટદંડસ્ય ન ભયં વિદ્યતે કચિત.
— જે અપરાધીઓને દંડ આપવામાં સંકોચ કરતો નથી, એ રાજાને ક્યારેય ભય થતો નથી.