દિવાળી વેકેશનમાં દીવ પ્રવાસીઓથી ઉભરાયું છે. આવામાં દીવ ફરવા આવનાર પર્યટકો માટે લાલબત્તી સમાન કિસ્સો બન્યો છે. બે પર્યટકો ચાકુની અણીએ લૂંટાયા છે. બોટાદ જિલ્લાના સ્વામીના ગઢડાથી બાઇક પર આવેલા બે પિતરાઇ ભાઇઓ દીવ ફરવા આવતા રાત્રિના સમયે લૂંટાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, હાલ દીવની તમામ હોટલ હાઉસફુલ છે. રાત્રિના સમયે દીવમાં દિવાળીની સિઝન હોવાથી રહેવા હોટેલ રૂમ નહિ મળતાં રૂમ આપવાના બહાને બંને યુવકોને અન્ય બાઈક પર આવેલા બે શખ્સોએ લૂંટ્યા હતા. કેન્દ્રશાસિત પ્રદેશ દીવની બહાર ઉના તાલુકાના નાળીયા માંડવી ગામના અવાવરું વિસ્તારમાં લઈ જઈ છરીની અણીએ બંને યુવકો પાસેથી ત્રણ મોબાઇલ અને ૧૧ હજાર રોકડની લૂંટ ચલાવી હતી. નવાબંદર મરીન પોલીસને જાણ થતાં રાત્રિના સમયે તપાસ આદરી હતી. સીસીટીવીના આધારે પોલીસે બે ઇસમોને ગણતરીની કલાકોમાં જ રાઉન્ડ અપ કર્યા હતા. હાલ સીસીટીવી દ્વારા તપાસ શરૂ કરાઈ છે.