દીવ ખાતે બ્રહ્માકુમારી દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય આધ્યાત્મિક શિબિરમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. શિબિરમાં આંતરરાષ્ટ્રીય પ્રવક્તા બી.કે. શિવાનીદીદી દ્વારા “સારા વિચાર, સુખમય સંસાર” પર વક્તવ્ય આપવામાં આવ્યું હતું. દીવની પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય તથા ઉના સેવા કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે ઘોઘલાસ્થિત જેટી ઉપર આ કાર્યક્રમ યોજાયો હતો. સ્પીકર શિવાનીદીદીએ સાંસારિક સમસ્યાઓના ઉકેલ તેમજ સાંસારિક જીવનમાં આવતી અડચણોનું કઈ રીતે સમાધાન કરવું તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં દીવના કલેકટર રાહુલ દેવ બુરા, ઉના ધારાસભ્ય કે.સી. રાઠોડ, દીવ જિલ્લા પંચાયતના પ્રમુખ, હોટલ એસોસિએશન પ્રમુખ યતિનભાઈ ફુગો, ઊનાના વેપારી અગ્રણી દીપકભાઈ શાહ, ઉના તાલુકા, અન્ય આજુબાજુના તાલુકાનાં રાજકીય અગ્રણીઓ, સંતો-મહંતો, આગેવાનો, વિવિધ શહેરથી આવેલ બ્રહ્માકુમારીઓ વગેરે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ડો. શિવાનીદીદીએ લોકોને આધ્યાત્મિક વક્તવ્ય સાથે સારાં વિચારોનાં સંકલ્પ પણ લેવડાવ્યા હતા.