દીવના દગાચી ગામના વતની અને હાલ યુનાઇટેડ કિંગડમમાં સ્થાયી થયેલા ૬૧ વર્ષીય બાબુ ભગવાન સોલંકીનો મૃતદેહ તેમના જ ખેતરમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ છે. તેઓ સાત દિવસ પહેલા પોતાના ભાઈના પિતૃ તર્પણ વિધિ માટે વતન આવ્યા હતા. ઘટનાની વિગત મુજબ, ઘરથી માત્ર ૨૫ મીટર દૂર આવેલા ખેતરમાં ચીકુના ઝાડ પર તેમનો મૃતદેહ ફાંસી ખાધેલી હાલતમાં લટકતો મળી આવ્યો હતો. જોકે, લંડનમાં રહેતા તેમના પુત્ર વિરમ બાબુએ આ ઘટનાને આત્મહત્યા માનવાનો ઇનકાર કરી પિતાની હત્યા થઈ હોવાની ગંભીર આશંકા વ્યક્ત કરી છે. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ આ આત્મહત્યાનો મામલો જણાય છે, પરંતુ પરિવારના વિરોધ અને પુત્રની શંકાને ધ્યાને રાખી તપાસ તેજ કરવામાં આવી છે. હાલ મૃતદેહને પેનલ પીએમ અને એફએસએલ તપાસ માટે જૂનાગઢ મેડિકલ કોલેજ મોકલવામાં આવ્યો છે.