હિન્દુઓનો મહત્વનો તહેવાર દિવાળી અને બેસતું વર્ષ હોય છે. દીપોત્સવ ૨૦૨૫ સમગ્ર વિશ્વ માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તેવી પ્રાર્થના કરું છું. ભારતની ભવ્ય અને દિવ્ય સંસ્કૃતિમાં માનવતા કેન્દ્રસ્થાને હોય છે. પશ્ચિમના દેશો પણ આપણી આધ્યાત્મિકતાથી પ્રભાવિત થયા છે. દુનિયામાં કશું જ નહોતું ત્યારે ભારતનો ચંદરવો ચોફેર ખીલેલો હતો તેવું મેક્સમુલર નામના ઇતિહાસકારે સ્વીકાર્યું છે. ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજ આવા હિન્દુ રાષ્ટ્રના પર્વો આપણા દેશની ઓળખ છે.
દીવો ત્યારે જ પ્રજ્જવલિત હોય છે તેમાં કોડિયામાં રહેલું તેલ તેને જીવંત રાખે છે. પરિવારમાં પણ એક વ્યક્તિનો ભોગ સમગ્ર પરિવારની આધારશીલા હોય છે. સંસ્કૃતિ અને સભ્યતાવાળા દેશમાં જન્મવું તે આપણા માટે ગૌરવની વાત છે. સામૂહિક ભાવના અને પારિવારિક એકતા કેળવવાના તહેવારો એ ભારતીય સંસ્કૃતિની ઓળખ છે. આવો પ્રગટાવીએ નવતર દીવા જેમાં જ્ઞાન અને સમજણની અદ્‌ભુત શક્તિ હોય, જેના થકી સુખ, શાંતિ અને એકતા પ્રગટાવીએ.
ભારતીય સંસ્કૃતિના દીવાની જ્યોત હંમેશા અંધારામાં અજવાળું આપે છે. ભારતનું બુદ્ધિશાળી ધન દેશપ્રેમ તરફ વળે તે જરૂરી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાષ્ટ્રભક્તિના પ્રકલ્પો થકી કાર્ય કરે છે. તેમાં આપણે બધા જોડાવીએ. દેશના જવાનો સરહદની સુરક્ષા કરે છે. સિવિલિયન લોકો આંતરિક વ્યવસ્થાને મજબૂત બનાવે છે. મારા દેશની ગરીમાને વ્યાપક બનાવવા માટે હું નવા વર્ષે નવા સંકલ્પો સાથે કાર્ય કરીશ. “સૌથી મોટામાં મોટો ધર્મ રાષ્ટ્રધર્મ છે” આ વાક્ય શહીદે આઝમ ભગતસિંહનું દરેક વ્યક્તિના કાનમાં અને હૃદયમાં ગુંજવું જોઈએ.
અજ્ઞાનનાં તિમિરને દૂર કરી, જ્ઞાનદીપ જલાવીએ. દિ’વાળે એવી દિવાળીની સાચી ઉજવણી કરી, સંવેદનહીન હૃદયમાં સ્નેહનો દીપ જલાવીએ. ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણએ કહ્યું છે કે, “ભારત વસુધૈવ કુટુંબ”ની ભાવના ધરાવતો દેશ છે. વિશ્વપ્રેમની ભાવના ભારતમાં જોવા મળે છે. સંતો, મહાત્માઓ, ઋષિઓ એ આપણી સંસ્કૃતિની ધરોહર છે. તેમને વંદન કરીએ. પર્યાવરણનું સંરક્ષણ કરીએ, પ્રદૂષણમુક્ત રાષ્ટ્ર બનાવીએ. બિનજરૂરી ફટાકડા ફોડવાથી પોલ્યુશન જ થવાનું છે. તેની જગ્યાએ જ્ઞાનની અને પ્રાચીન રમતો થકી સશક્ત બનવાની કેળવણી કેળવીએ.
પારિવારિક ભાવનામાં ભણેલા લોકો બૌદ્ધિક રીતે એટલો બધો વિરોધ કરતા હોય છે પરંતુ ઉપરવાળાને ત્યાં દેર છે પણ અંધેર નથી. સત્ય હંમેશા સનાતન રહે છે. દીપોત્સવ પર્વમાં માનવતાની મશાલ દીપાવીએ. એકબીજાને મદદ કરવાની ભાવના તમારા હૃદયમાં હશે તો દ્વારકાધીશ તમારા હૃદયમાં જ છે.
નવા મંત્રીમંડળમાં જેને સ્થાન મળ્યું છે તેવા ધારાસભ્યો રાષ્ટ્રસેવાના પ્રકલ્પને સાકાર અને આકાર કરે તેવી પ્રજા આપની પાસે અપેક્ષા રાખે છે. ખેડૂતોના પ્રશ્નો તરફ ધ્યાન આપવાની જરૂર છે. બોટાદ માર્કેટમાં “કડદો” શબ્દ ઉભો થયો છે તેને કાયમ માટે નેસ્તનાબૂદ કરવાની જરૂર છે. સરદાર પટેલે ખેડૂતોને જગતના તાત્ કહ્યા છે. ખેડૂતોની દિવાળી સારી થાય તે માટે પોષણતમ ભાવ મળે તે જોવાનું કામ સરકારનું છે. આ ગંભીર પ્રશ્નોનું સત્વરે સમાધાન થાય તે જરૂરી છે.
કોઈની દિવાળી બગાડીને આપણી સુધારી શકાતી નથી. માનવતાના કોડિયા હંમેશા તેલથી ભરેલા જ હોવા જોઈએ તો જ પ્રકાશ આપશે. પરિવારમાં રાગદ્વેષનાં જાળાં અંતરેથી પાડી નાંખી, ગેરસમજમાં નફરતની ગાંઠો ખોલી નાખીએ. ભીતરમાં, નિરાશ હૈયામાં આશાનો દીપ જલાવીએ. બાકી આ પૃથ્વી ઉપર જે આવ્યા છે તે બધાને જવાનું છે. સમજણ શક્તિ ખૂબ મહત્વની છે.
જીવનના ચોપડામાં સરવાળા બાદબાકીનું સરવૈયું માંડીએ તો ખ્યાલ આવે મહાભારતના યુદ્ધમાં કૃષ્ણ ભગવાન પાંડવોના પક્ષે રહ્યા હતા તેનું મૂળ કારણ સત્ય હતું. સત્ય હંમેશા વિજય તરફ લઈ જાય છે. દીપોત્સવ પરિવારની ખુશી, સમૃદ્ધિ અને સમજણની શક્તિ આપે છે.
‘તમસો મા જ્યોર્તિગમય’ની જ્યોત જલાવીએ. સમાજના તમામ વર્ગો સુખ, શાંતિ અને સમૃદ્ધિ તરફ પ્રયાણ કરે તેવી ભાવના રાખીએ. સામાન્ય માણસમાં પણ રાષ્ટ્રભક્તિના ગુણો કેળવવા જોઈએ. મારાથી ખોટું ના થાય, મફતનું રેશનિંગ ના ખવાય, હું સમયસર ટેક્સ ભરી દઈશ, દેશ છે તો આપણે છીએ એવી ભાવના રાષ્ટ્રના લોકોમાં નિર્માણ થાય એટલે ચારધામનું પુણ્ય પ્રાપ્ત થાય. સૌ મારા વાચક વર્ગને દીપોત્સવ પર્વની ખૂબ શુભકામના. એકબીજાને મદદ કરતા રહીએ. સત્યના માર્ગે ચાલીએ એ જ જીવનનો સમજણ માર્ગ છે. વંદે માતરમ… ભારત માતાકી જય.. mo.૯૮૨૫૭૦૨૨૮૨