જ્યાં થોડા દિવસોમાં લગ્નનો માંડવો બંધાવાનો હતો, જ્યાં દીકરીના લગ્નની શરણાઈઓ વાગવાની હતી, જ્યાં લગ્ન ગીતો ગાવાના હતા, ત્યાં હવે મરશીયા ગાવાનો વારો આવ્યો છે. એક દીકરીના લગ્ન માટે પિતાને કેટકેટલા અરમાનો હોય, પરંતું પરિવારના તમામ અરમાનો પર પાણી ફરી વળ્યું હતું. કારણ કે, દીકરીના લગ્ન પહેલા પિતાનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું.પ્રાપ્ત માહિતી અનુસાર, મહારાષ્ટ્રના ધુલિયામાં રહેતા ૪૫ વર્ષીય શરદ પાટીલની દીકરીના લગ્ન દોઢ મહિના બાદ લેવાયા હતા. તેમને પરિવારમાં પત્ની, દીકરી અને દીકરો છે. ત્યારે દીકરીના લગ્ન હોવાથી તેઓ પરિવાર સાથે સુરત લગ્નની ખરીદી કરવા આવ્યા હતા. તેઓ સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતા સંબંધીના ઘરે આવ્યા હતા. ત્યારે તેમનો પરિવાર સંબંધીના ઘરમાં હતો, અને શરદભાઈ બહાર ઉભા હતા.આ સમયે એક આશયર ટ્રક પૂરઝડપે ત્યા આવી ચડ્યો હતો. આઈસર ટ્રકના ચાલકે પૂરઝડપે ગાડી દોડાવીને શરદભાઈને ટક્કર મારી હતી. જેથી શરદભાઈને શરીર પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ સાંભળીને જ પાટીલ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. દીકરીના એક મહિના બાદ લગ્ન લેવાયા હતા, અને પરિવાર મોભીના નિધનથી શોકમાં ગરકાવ બન્યો છે. લિંબાયત પોલીસમાં ટ્રકના ચાલક સામે ગુનો નોંધીને પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.










































