ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનુ પરિણામ જાહેર થઈ ગયુ છે. રાજકોટના વિદ્યાર્થીઓએ ધોરણ ૧૨ ના પરિણામમાં ડંકો વગાડયો છે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને ઉમંગ જાવા મળ્યો હતો ત્યારે રાજકોટના ધોળકિયા સ્કૂલનો વિદ્યાર્થી સ્મિત ચાંગેલાએ ૯૯.૯૭ પર્સન્ટાઈલ મેળવીને શાળા તથા પરિવારનું નામ રોશન કર્યુ છે. ખાસ વાત તો એ છે કે, સ્મિત શારીરિક ક્ષતિ ધરાવે છે. તેને એક જ જગ્યાએ બેસીને અભ્યાસ કરવો પડે છે. ત્યારે આખુ વર્ષ દિવસ-રાત જાયા વગર તેણે જે મહેનત કરી તેને તેનુ ફળ મળ્યુ છે. પરિણામ જાહેર થતા જ તે વ્હીલચેર પર સ્કૂલે પહોંચ્યો હતો. જ્યાં સ્કૂલ દ્વારા તેને મીઠાઈ ખવડાવી અને ગળામાં હાર પહેરાવીને શુભેચ્છા આપવામાં આવી હતી.
પરિણામ વિશે સ્મિત કહે છે કે, હુ લખી કે ચાલી શક્તો નથી, બેસીને જ ભણવુ પડે, એક બેન્ચ પર બેસીને સતત ભણ્યા કરતો હતો. ઓનલાઈન કરતા ઓફલાઈન અભ્યાસ રહ્યો હોત તો મારું પરિણામ હજી વધ્યુ હોત. મારુ આટલુ પરિણામ આવ્યું તેની પાછળ મારા માતાપિતા અને કુટંબની ભારે મહેનત. તેમના કારણે જ હું અહીં પહોંચ્યો છું.
સ્મિત ચાંગેલાની મોરબીમાં સિરામિકની ફેક્ટરી છે. સ્મિત ચાંગેલાને નિરોપથી રોગ છે. શારીરિક ક્ષતિ હોવાથી સ્મિતે રાઈટરની મદદથી પરીક્ષા આપી હતી. તેણે કહ્યુ કે, મેં આ પરીક્ષા રાઈટર થ્રુ આપી હતી. મારા રાઈટર તેજ માંકડિયાએ નિસ્વાર્થભાવે મારે મદદ કરી, આજે અમારા બેવની મદદ ફળી છે. આગામી સમયમાં હુ યુપીએસએસી અને જીપીએસસીની પરીક્ષા આપવાની મારી ઈચ્છા છે. હું આગળ જઈને વિકલાંગો અને દિવ્યાંગોની સેવા કરવા માંગુ છું. મારે દેશની સેવા કરવી છે.
તેના પિતાએ કહ્યુ કે, તેનુ પરિણામ સ્કૂલ અને તેની માતાને
કારણે આવ્યુ. તેની માતાએ તેના અભ્યાસ પર બહુ જ ધ્યાન આપ્યુ હતું. હુ સવારથી સાંજ સુધી મોરબી જ હોઉ છું, સ્મિતની જવાબદારી ૯૦ ટકા તેના મમ્મી નિભાવે છે. તો કોરોમાં કેવી રીતે અભ્યાસ કરાવ્યો તે વિશે માતાએ કહ્યુ કે, મહેનત તો બધાની છે. તેના તમામ સાહેબોની છે. સ્મિત વિકલાંગ છે તે એક જ જગ્યાએ બેસીને અભ્યાસ કરે છે. તેથી તમામે તેની પાછળ બહુ મહેનત કરી. આગળ તે યુપીએસસીની તૈયારી કરશે. તેને કલેક્ટર થવુ છે.