ભારતના દિવ્યાંગો છવાઈ ગયા.
પેરિસમાં રમાયેલી પેરા ઓલિમ્પિક ગેમ્સમાં આપણા દિવ્યાંગ ખેલાડીઓએ સપાટો બોલાવી દીધો. પેરિસ પેરાલિમ્પિક્સ-૨૦૨૪માં ૭ ગોલ્ડ સહિત ૨૯ મેડલ જીતીને આપણા દિવ્યાંગ ખેલાડીઓએ ઐતિહાસિક પ્રદર્શન કરીને ભારતીય ખેલ ઈતિહાસમાં સુવર્ણ પ્રકરણ આલેખી દીધું. ભારતે ૭ ગોલ્ડ, ૯ સિલ્વર અને ૧૩ બ્રોન્ઝ મેડલ જીતીને અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ભારત પહેલી વાર પેરાલિમ્પિક્સમાં ટોપ ૨૦માં આવ્યું અને ૧૮મા સ્થાને રહ્યું. સ્પોટ્‌ર્સમાં દુનિયામાં ભારત પહેલા ૫૦ નહીં પણ પહેલા ૧૦૦માં પણ નથી આવતું ત્યારે આ તો આપણે ટોપ ૨૦માં આવી ગયા.
પેરિસ ઓલિમ્પિક્સમાં સૌથી મહત્વની વાત એ છે કે, ભારતે એથલેટિક્સમાં દબદબો જમાવ્યો. ભારતે પેરિસમાં ૧૭ મેડલ એકલા એથ્લેટિક્સમાં જીત્યા છે. એથ્લેટિક્સના ખેલાડીઓએ પેરિસમાં ૪ ગોલ્ડ, ૬ સિલ્વર અને ૭ બ્રોન્ઝ મેડલ જીતીને સૌને દંગ કરી દીધા. ભારતે બેડમિંટનમાં ૧ ગોલ્ડ, ૨ સિલ્વર અને ૨ બ્રોન્ઝ મેડલ સાથે ૫ મેડલ જીત્યા. શૂટિંગમાં ૧ ગોલ્ડ, ૧ સિલ્વર અને ૨ બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. એથલેટિક્સ, શૂટિંગ અને બેડમિંટનમાં કુલ મળીને ભારતે ૨૬ મેડલ જીત્યા. આ સિવાય પેરિસમાં ભારતને પ્રથમ વખત પેરા તીરંદાજીમાં ગોલ્ડ મેડલ મળ્યો. હરવિંદર સિંહે આ સિદ્ધિ મેળવીને આપણું નામ રોશન કર્યું. રાકેશ કુમાર અને શીતલ દેવીની જોડીએ તીરંદાજીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જુડોમાં પણ ભારતે પહેલી વખત બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.

ભારતને ૭ ગોલ્ડ મેડલ અવની લેખરા (શૂટિંગ- ૧૦ મીટર એર રાઇફલ સ્ટેન્ડિંગ), નિતેશ કુમાર (બેડમિન્ટન), સુમિત અંતિલ (એથ્લેટિક્સ- મેન્સ જેવેલિન થ્રો), હરવિંદર સિંહ (તીરંદાજી), ધરમબીર (એથ્લેટિક્સ- મેન્સ ક્લબ થ્રો), પ્રવીણ કુમાર (એથ્લેટિક્સ- હાઈ જમ્પ) અને નવદીપ સિંહ (એથ્લેટિક્સ- જેવેલિન થ્રો)એ જીતાડ્‌યા.
સિલ્વર મેડલ જીતનારા ભારતીયોમાં મનીષ નરવાલ (શૂટિંગ), નિષાદ કુમાર (એથ્લેટિક્સ- હાઈ જમ્પ), યોગેશ કથુનિયા, (એથ્લેટિક્સ- ડિસ્કસ થ્રો), થુલસિમત મુરુગેસન (બેડમિન્ટન), સુહાસ યથિરાજ (બેડમિન્ટન), અજીત સિંહ (એથ્લેટિક્સ- જેવલિન થ્રો), શરદ કુમાર (એથ્લેટિક્સ- હાઈ જમ્પ), સચિન ખિલારી (એથ્લેટિક્સ- શોટ પુટ) અને પ્રણવ સૂરમા (એથ્લેટિક્સ- ક્લબ થ્રો) એમ ૯ ખેલાડી છે.
મોના અગ્રવાલ (શૂટિંગ), પ્રીતિ પાલ (એથ્લેટિક્સ- ૧૦૦ મીટર દોડ), રૂબીના ફ્રાન્સિસ (શૂટિંગ), પ્રીતિ પાલ (એથ્લેટિક્સ- ૨૦૦ મીટર દોડ) મનીષા રામદાસ (બેડમિન્ટન), રાકેશ કુમાર/શીતલ દેવી (તીરંદાજી), નિત્યા શ્રી શિવાન (બેડમિન્ટન), દીપ્તિ જીવનજી (એથ્લેટિક્સ- ૪૦૦ મીટર), સુંદર સિંહ ગુર્જર (એથ્લેટિક્સ- જેવલીન થ્રો), મરિયપ્પન થંગાવેલુ (એથ્લેટિક્સ- હાઈ જમ્પ), કપિલ પરમાર (જુડો), હોકાટો સેમા (એથ્લેટિક્સ- શોટ પુટ) અને સિમરન સિંહ (એથ્લેટિક્સ- ૨૦૦ મીટર દોડ) એ ૧૩ ખેલાડી બ્રોન્ઝ મેડલ જીતી લાવ્યા.
આ પહેલાં ભારતે ૨૦૨૧માં ટોક્યોમાં રમાયેલી પેરા ઓલિમ્પિક્સમાં ૧૯ મેડલ જીતીને છાકો પાડી દીધો હતો. ચાર ગોલ્ડ મેડલ, સાત સિલ્વર મેડલ અને છ બ્રોન્ઝ મેડલ જીતીને ભારતે કુલ મેડલનો આંકડો ૧૯ પર પહોંચાડીને પેરાલિમ્પિક્સમાં શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો.
પેરિસમાં આ રેકોર્ડ તૂટી ગયો.

દિવ્યાંગો માટેની પેરાલિમ્પિક્સ ૧૯૬૦થી યોજાઈ રહી છે અને ભારત ૧૯૬૮થી પેરાલિમ્પિક્સમાં ભાગ લઈ રહ્યું છે પણ પેરિસ જેવો જોરદાર દેખાવ ભારતે કદી નહોતો કર્યો.
ભારતે ૧૯૭૬ અને ૧૯૮૦માં ભાગ લીધો ન હતો. એ સિવાય ૫૭ વર્ષના પેરાલિમ્પિક્સના ઈતિહાસમાં ૧૨ પેરાલિમ્પિક્સમાં ભાગ લઈને કુલ ૩૧ મેડલ જીત્યા હતા. આ વખતે ભારતે સાગમટે ૨૯ મેડલ જીતી લીધા. મતલબ કે, અત્યાર સુધીના બધા પેરાલિમ્પિક્સની તોલે પેરિસ ગેમ્સ આવી ગઈ. ટોક્ટોમાં ભારતે પહેલી વાર ટોપ ૨૫ દેશોમાં સ્થાન મેળવ્યું હતું. ટોક્યોમાં ભારત પાંચ ગોલ્ડ મેડલ જીતીને ચોવીસમા નંબરે આવ્યું હતું જ્યારે પેરિસમાં સીધા ટોપ ૨૦માં આવી ગયા.
છેલ્લી ત્રણ પેરાલિમ્પિક ગેમ્સથી ભારતનો ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે. ભારતે ૨૦૧૬માં ચાર મેડલ જીતેલા. ટોક્યોમાં આંકડો ૧૯ પર પહોંચ્યો ને હવે ૨૯ પર પહોંચ્યો એ જોતાં હવે પછીના પેરાલિમ્પિક્સમાં ભારત ટોપ ૧૦માં આવી જાય એવી શક્યતા નકારી ના શકાય. ભારત ૮ વર્ષ પહેલાં ક્યાંય ચિત્રમાં નહોતું ને હવે ટોપ ૨૦માં છે એ જોતાં માત્ર ૮ વર્ષના ગાળામાં લગાવેલી આ છલાંગ બહુ મોટી છે.

પેરાલિમ્પિક્સની વાત કરીએ ત્યારે ગુજરાતનાં ભાવિના પટેલની વાત કરવી જ પડે.
ભાવિના પટેલે ૨૦૨૧ની પેરિસ પેરાલિમ્પિક્સમાં ટેબલ ટેનિસના મહિલા સિંગલ્સમાં વર્ગ-૪ કેટેગરીમાં ભારતને પહેલો મેડલ અપાવ્યો હતો. ભાવિના પટેલ પેરાલિમ્પિક્સમાં મેડલ જીતનારાં એક માત્ર ગુજરાતી છે. ભાવિના ફાઇનલમાં વિશ્વની નંબર ૧ ચીનની ખેલાડી ઝોઉ યિંગ સામે હારી ગયાં હતાં પણ ભાવિનાએ સિલ્વર જીતીને ઈતિહાસ રચી દીધો કેમ કે ટેબલ ટેનિસમાં મેડલ જીતનાર ભાવિના પહેલાં ભારતીય ખેલાડી છે.
મહેસાણા જિલ્લાના સુંઢિયા નામના નાનકડા ગામમાં રહેતા એક સામાન્ય ખેડૂત પરિવારનાં પુત્રી ભાવિનાના પિતા ગામમાં નાનકડી સ્ટેશનરી અને કટલેરીની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ભાવિના એક વર્ષની હતી ત્યારે પોલિયોની અસર થતાં બંને પગ કામ કરતા બંધ થઈ ગયા હતા. મક્કમ મનોબળ ધરાવતાં ભાવિના પટેલ સ્નાતક સુધી અભ્યાસ પછી કમ્પ્યુટરનો અભ્યાસ કરવા માટે અમદાવાદના અંધજન મંડળમાં આવ્યાં ત્યારે તેણે ટેબલ ટેનિસ રમવાની શરૂઆત કરી હતી.
મોટી ઉંમરે સ્પોટ્‌ર્સ તરફ વળેલાં ભાવિનાએ ૩૪ વર્ષની વયે મેડલ જીતીને દેશના લાખો દિવ્યાંગોને પ્રેરણા આપી હતી. ભાવિનાએ ભારતના મેડલ વિજય અભિયાનની શરૂઆત કરાવી પછી તો ભારતે ટોક્યોમાં મેડલ પર મેડલ જીતીને સૌનેં દંગ કરી દીધા હતા. આ વખતે પેરિસમાં ભારતે તેના કરતાં પણ બહેતર દેખાવ કરીને આખી દુનિયામાં નોંધ લેવડાવી છે. ભાવિના પટેલ જીત્યાં તેમાંથી પ્રેરણા લઈને ગુજરાતની દિવ્યાંગ દીકરીઓ મોટા પ્રમાણમાં સ્પોટ્‌ર્સ તરફ વળી રહી છે.

આપણા દિવ્યાંગોના દેખાવ માટે દરેક ભારતીયને ગર્વ થવો જોઈએ.
ભારતમાં ક્રિકેટ સિવાયની રમતોની હાલત અત્યંત ખરાબ છે. તેના કારણે આપણે બીજી રમતોના ખેલાડીઓ પાસેથી કશી આશા જ નથી રાખતા. આપણે ત્યાં શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ ખેલાડીઓ વરસોની મહેનત પછી પણ વિશ્વ કક્ષાની સ્પર્ધાઓમાં સાવ પાણીમાં બેસી જાય છે ને શરમજનક દેખાવ કરીને પાછા આવે છે. આ પ્રકારની સ્પર્ધાઓમાં જે દબાણ હોય છે તે ના જીરવી શકવાની ક્ષમતાથી માંડીને બીજાં ઘણાં કારણો તેના માટે જવાબદાર છે.
આ કારણે બીજી રમતોવાળા ખેલાડી ચમકારો બતાવી દે ત્યારે આપણને સુખદ આંચકો લાગે છે. ટોક્યોમાં રમાયેલી ઓલિમ્પિક્સમાં આપણી હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો અને નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીત્યો ત્યારે આપણને એવો જ આંચકો લાગેલો. પેરિસ ઓલિમ્પિક્સમાં મનુ ભાકર બે મેડલ જીતી લાવી અને નીરજ ચોપરા સિલ્વર મેડલ જીતી લાવ્યો ત્યારે પણ આપણને આંચકો લાગેલો.
ભારતમાં સામાન્ય ખેલાડીઓના ગૌરવપૂર્ણ દેખાવથી પણ આંચકો લાગતો હોય તો દિવ્યાંગ ખેલાડીઓ પાસેથી તો કોઈ અપેક્ષા જ નથી રાખતું પણ ગૌરવની વાત એ છે કે દરેક મોટી ગેમ્સ ભારતમાં નવા દિવ્યાંગ હીરોને જન્મ આપે છે. દિવ્યાંગ ખેલાડીઓની સિધ્ધી એ રીતે બહુ મોટી છે કે શારીરિક અને માનસિક રીતે ક્ષતિગ્રસ્ત ખેલાડીઓ માટે સ્થિતી અત્યંત ખરાબ છે. આપણા સમાજમાં દિવ્યાંગોને સતત અપમાનો અને અવહેલના જ મળે છે. દિવ્યાંગો માટે સરકાર તરફથી કોઈ વિશેષ વ્યવસ્થા નથી કરાતી ને બીજું કોઈ પણ ગંભીરતાથી નથી લેતું. દિવ્યાંગો સ્પોટ્‌ર્સમાં રસ લેવા માગે તો પણ તેમને કોઈ ગંભીરતાથી ના લે એવી હાલત છે. બધાં એમ જ માને કે દિવ્યાંગ વ્યક્તિ કઈ રીતે રમી શકશે ? સામાન્ય લોકો સહાનુભૂતિથી ને સત્તાવાળા સત્તાના તોરના કારણે તેમને સ્પોટ્‌ર્સને માટે લાયક નથી ગણતા. આ માહોલમાં શારીરિક ક્ષતિની સાથે સાથે માનસિક મક્કમતા કેળવેલી હોય તો જ સ્પોટ્‌ર્સને અપનાવી શકે ને તેમનામાં ખૂંપી શકે. ગોલ્ડ કે બ્રોન્ઝ મેડલ તો તેમની મહેનતનું ફળ છે પણ આ ફળ મેળવવા માટે જે મહેનત કરી હશે, જે અપમાનો વેઠ્‌યાં હશે, જે ઉપેક્ષા સહન કરી હશે, જે અવરોધો વેઠ્‌યા હશે તેની તો આપણે કલ્પના ના કરી શકીએ. આપણા ખેલાડીઓના આ દેખાવ પછી ભારતમાં બીજું કંઈ ના થાય ને દિવ્યાંગ ખેલાડીઓને ગંભીરતાથી લેવાય એવી અપેક્ષા ચોક્કસ રાખી શકાય.