દિવાળી બાદ ગુજરાત સરકારની નવા મંત્રીમંડળની પ્રથમ બેઠક આજે બુધવારે સવારે મળી છે. હાલ આ બેઠક ચાલી રહી છે. રાજ્યમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન પડેલા કમોસમી વરસાદને કારણે ખેતીપાકને થયેલા ભારે નુકસાનનો મુદ્દો આ બેઠકમાં મુખ્ય એજન્ડા રહ્યો. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં સૌરાષ્ટ્ર સહિતના અનેક જિલ્લાઓમાં પાકને થયેલી હાનિ અંગેના પ્રાથમિક અહેવાલો રજૂ થયા. દિવાળીના તહેવાર દરમિયાન પડેલા અણધાર્યા વરસાદને પગલે મુખ્યમંત્રીએ તાત્કાલિક સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મંત્રીઓને મોકલી આપ્યા હતા, જેમણે મેદાનમાં જઈને સ્થિતિનો સર્વે કર્યો હતો. આ મંત્રીઓએ આજે કેબિનેટ બેઠકમાં પોતપોતાના જિલ્લાના અહેવાલો રજૂ કર્યા છે.
વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ અમરેલી, જૂનાગઢ, ગીરસોમનાથ, પોરબંદર, જામનગર, મોરબી, દ્વારકા અને રાજકોટ જેવા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ૫૦૦ કરોડથી વધુનું ખેતીપાકનું નુકસાન થવાનું અનુમાન છે. ખેતીવાડી વિભાગના અધિકારીઓ મુજબ સૌથી વધુ અસર અમરેલી જિલ્લામાં જાવા મળી છે. દિવાળીના સમયે મગફળી અને કપાસનો પાક તૈયાર હતો ત્યારે જ માવઠું ત્રાટકતા ૫૫થી ૬૦ ટકા પાક બરબાદ થયો છે. ખાસ કરીને રાજુલા પંથકમાં ભારે વરસાદને કારણે આખેઆખો પાક ધોવાઈ ગયો છે. આ જિલ્લામાં લગભગ ૮,૦૦૦ હેક્ટરથી વધુ વાવેતર અસરગ્રસ્ત હોવાનું અનુમાન છે.
ગીરસોમનાથ જિલ્લામાં પણ આશરે ૩૫થી ૪૦ ટકા પાકને નુકસાન થયું છે. કોડીનાર, સુત્રાપાડા અને ઉના તાલુકાઓમાં સૌથી વધુ અસર જોવા મળી છે. કુલ ૧.૫૩ લાખ હેક્ટર વાવેતરમાંથી મગફળી, સોયાબીન અને કપાસના પાકોમાં ગંભીર નુકસાન નોંધાયું છે. મગફળી ખેતરમાં તૈયાર હાલતમાં જ હોવાથી ૬થી ૧૦ ઇંચ વરસાદ પડતાં પાક પલળી ગયો હતો.
જૂનાગઢ જિલ્લામાં ૩.૭૬ લાખ હેક્ટર વિસ્તારનું વાવેતર થયું છે, જેમાંથી ૭૫ હજાર હેક્ટર વિસ્તાર નુકસાનગ્રસ્ત થયો છે. કપાસ અને મગફળીના ૩૦ ટકા જેટલા પાકને અસર થઈ છે. આ જ જિલ્લામાં ગત ઓગસ્ટમાં પણ ભારે વરસાદને કારણે ૨૨૦૦ હેક્ટર વિસ્તાર નુકસાનગ્રસ્ત થયો હતો. બીજી તરફ, જામનગર, દ્વારકા, મોરબી અને રાજકોટ જિલ્લાઓમાં તુલનાત્મક રીતે ઓછું નુકસાન થયું છે, છતાં મગફળી પલળી જવાથી ખેડૂતોમાં ચિંતા છવાઈ ગઈ છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે બેઠકમાં સ્પષ્ટ સૂચના આપી છે કે, ખેડૂતોને યોગ્ય વળતર મળવા માટે તાત્કાલિક સર્વે પૂર્ણ કરાય અને હાનિનું વળતર ઝડપથી ચૂકવાય. આગામી દિવસોમાં સરકાર કમોસમી વરસાદથી પ્રભાવિત ખેડૂતો માટે ખાસ રાહત પેકેજ જાહેર કરવાની સંભાવના છે. રાજ્ય સરકારે કમોસમી વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને ગંભીરતાથી લીધી છે અને આગામી દિવસોમાં વહીવટી મશીનરીને મેદાનમાં વધુ ગતિ આપવા માટે માર્ગદર્શન આપ્યું છે.









































