ગોંડલ માર્કેટિંગ યાર્ડે દિવાળી પૂર્વે મગફળીની સિઝનમાં નવો રેકોર્ડ નોંધાવ્યો છે. સૌરાષ્ટ્રના અગ્રણી એપીએમસીમાં ૧.૫૦ લાખથી વધુ ગૂણી મગફળીની આવક થતાં યાર્ડ છલકાઈ ગયું હતું. આ વિપુલ આવકને કારણે યાર્ડની બહાર ૧૨૦૦થી વધુ વાહનોની ૫-૬ કિલોમીટર લાંબી કતાર જામી હતી. સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓ રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા અને મોરબીમાંથી ખેડૂતો મોટી સંખ્યામાં પોતાની ઉપજ લઈને આવ્યા હતા. યાર્ડના વાઈસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા અને સ્ટાફે મોડી રાત સુધી ખડેપગે રહી વ્યવસ્થા સંભાળી હતી. મગફળીના જથ્થાને સમાવવા માટે મરચાના ગ્રાઉન્ડનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાના જણાવ્યા અનુસાર, હરાજીમાં રેગ્યુલર મગફળીના ભાવ ૨૦ કિલોદીઠ રૂ.૬૦૦થી ૧૨૦૦ અને ૬૬ નંબરની મગફળીના ભાવ રૂ.૭૦૦થી ૧૭૦૦ સુધી બોલાયા હતા. જગ્યાની અછતને કારણે યાર્ડ સત્તાધીશોએ વધુ આવક પર પ્રતિબંધ મૂક્યો છે અને નવી જાહેરાત સુધી ખેડૂતોને મગફળી ન લાવવા સૂચના આપી છે.