રાજકોટમાં દિવાળીની આગલી રાત્રે જ ખૂની ખેલ ખેલાયો છે. આંબેડકર નગરમાં વાહન અથડાવવા જેવી બાબતમાં બે પરિવારો સામ સામે આવી ગયા. સામાન્ય માથાકૂટ ઉગ્ર બની જતાં બંને પરિવારોએ એકબીજા પર લોહિયાળ હુમલો કરી દીધો. જેમાં બે સગાભાઈની હત્યા કરી દેવાઈ, સાથે જ સામા પક્ષે પણ એક યુવકની હત્યા થઈ. બંને પક્ષોએ એકબીજા પર ધારદાર હથિયારો સાથે હુમલો કરવાની સાથે સાથે વાહનોમાં તોડફોડ કરી હતી. સામાન્ય બાબતમાં લોહીયાણ જંગ ખેલાતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને બંને જૂથ સામે તપાસ કામગીરી હાથ ધરાઈ છે.ત્યારે આ ઘટનામાં બે પરિવારોએ ત્રણ યુવકો ગુમાવ્યા છે. દિવાળીની આગલી રાતે ખેલાયેલા ખૂની ખેલમાં બે પરિવારોની ખુશીઓ છીનવાઈ ગઈ છે. બે સગાભાઈઓની હત્યાથી પરમાર પરિવારમાં માતમ છવાયો છે. પારકી માથાકુટમાં મારા નિર્દોષ બબ્બે દીકરાનો ભોગ લેવાયો છે. બે દીકરાના એકસાથે મોતથી પરિવારનો માળો વિખેરાઇ ગયો છે. વૃધ્ધ પિતા વશરામભાઇ પરમારનું કરૂણ આક્રંદ જાવા મળ્યુ. તો પરિવારમાં ગમગીની છવાઈ છે. તો બીજી તરફ, બારોટ પરિવારે જુવાનજાધ દીકરો ગુમાવ્યો. હત્યાનો ભોગ બનનાર અરૂણ બારોટના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતાં. ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટો હતો. પિતા સાથે બાંધકામનો વ્યવસાય સંભાળતો હતો. બે દીકરાને ગુમાવનાર ૭૦ વર્ષીય પિતા વશરામભાઇ પરમાર (ઉ.વ.૭૦)એ હોસ્પિટલ ખાતે કરૂણ આક્રંદ કરતા જણાવ્યું કે, પારકી માથાકુટમાં વચ્ચે પડવા જતાં મારા બે કંધોતર મેં ગુમાવી દીધા છે, આ બે’ય સાવ નિર્દોષ હતાં. પાડોશીના ઝઘડામાં વચ્ચે પડવા ગયા અને તેની હત્યા થઇ ગઇ હતી. મારા પરિવારનો માળો વિખેરાઇ ગયો છે. મારે અન્ય એક દિકરો જગદીશભાઇ પણ છે. માથાકુટ થઇ ત્યારે આ દિકરો હાજર નહોતો.આ ઘટનામાં અરૂણ વિનોદભાઇ રાઠોડ (ઉ.વ.૨૧) ની પણ હત્યા થઈ છે. હત્યાનો ભોગ બનનાર અરૂણ ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટો હતો. અરૂણ સાથે હુમલો થયો ત્યારે નાનો ભાઇ વરૂણ પણ સાથે હોઇ તેને પણ ઇજા થતાં તે સારવાર હેઠળ છે. અરૂણના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતાં. અરૂણના પિતા વિનોદભાઇ નાથાભાઇ રાઠોડ બાંધકામનો વ્યવસાય ધરાવે છે, અરૂણ પણ પિતા સાથે આ કામ કરતો હતો. તેના માતાનું નામ શિતલબેને છે. અરુણના મોતથી તેના પરિવારમાં પણ માતમ છવાયો છે.અરૂણ કાર લઇને નીકળ્યો ત્યારે આંબેડકરનગરમાં બાબુભાઇ સોલંકીના ઘરે આવેલા ભાણેજ ભરતનું પલ્સર બહાર રોડ પર રાખ્યું હતું. તેને અરૂણ કાર અડી જતાં બોલાચાલી થઇ હતી. બાદમાં બાબુભાઈના પડોશીઓ સુરેશભાઇ, વિજયભાઇ અને સુધીર પરમાર સહિતના આવતાં વાત વણસી હતી અને સામ સામે મારામારી થઇ હતી. જેમાં બંને પક્ષના ત્રણની હત્યા થઇ હતી. હોસ્પિટલ ખાતે મૃતકોના પરિવારજનો, સગા સંબંધીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતાં પોલીસને વધારાનો બંદોબસ્ત ગોઠવવો પડયો હતો.









































