હિન્દુ ધર્મનો સૌથી મોટો અને ઉજવણીભર્યો તહેવાર એટલે દિવાળી. નાના બાળકોથી લઈને વડીલો સુધી દરેકમાં આ તહેવાર માટે અનેરો ઉત્સાહ જાવા મળે છે. દિવાળી નજીક આવતાં જ લોકો ઘરની સાફસફાઈથી લઈને શણગારની તૈયારીઓમાં લાગી જાય છે. ખાસ તો ઘરને આકર્ષક અને સુંદર બનાવવા માટે લોકો વિવિધ પ્રકારના ડેકોરેશન સામાનની શોધમાં રહે છે ત્યારે આ વખતે અમદાવાદના બજારોમાં ભીડ ઉભરાઈ રહી છે.અમદાવાદના માર્કેટમાં દિવાળીની ધૂમ ખરીદી થઈ રહી છે. સરકારનાં સ્વદેશી અપનાવોના અભિયાન બાદ અમદાવાદની બજારો ઉભરાઈ છે. દિવાળી પર ઘર સુશોભનની વસ્તુઓ સાથે સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન મળી રહે તે માટે માર્કેટમાં લોકો ખરીદી કરવા ઉમટી પડ્યા છે. વેપારીઓ માની રહ્યા છે કે, સરકારના આ નિવેદન બાદ બજારમાં ખરીદી વધી છે. આ અંગે અમદાવાદના ગોતા વિસ્તારના વેપારીઓનું કહેવું છે કે, દિવાળીનાં દિવસોમાં સામાન્ય દિવસો કરતાં હાલ વધારે ખરીદી જાવા મળી રહી છે જેને કારણે આ વખતે દિવાળીમાં તેજી લાગી રહી છે.અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલાં નહેરુનગરવાળા માર્કેટમાં હાલ તમામ પ્રકારની ખરીદી કરતાં લોકો જાવા મળી રહ્યાં છે. માટીના કોડિયા, તોરણ, કપડાં, બૂટ-ચપ્પલ લોકો લોકલ માર્કેટમાંથી ખરીદે છે. માત્ર અમદાવાદના લોકો નહીં પરંતુ બહારથી આવતાં લોકો પણ અમદાવાદના લોકલ માર્કેટને પસંદ કરી રહ્યા છે. જેની પાછળનું કારણ સરકારની સ્વદેશી વસ્તુઓ ખરીદવાની પહેલ છે. સાથે લોકલ માર્કેટમાં ખરીદી કરીને લોકો વિદેશને નહીં પરંતુ સ્વદેશી વસ્તુઓને અપનાવી રહ્યા છે.ગાંધીનગરથી આવેલાં મિત્તલબેન ભટ્ટનું કહેવું છે કે, તેઓ શોપિંગ કરવા માટે અમદાવાદ આવ્યા છે. તેમના ભાઈની ચાર દુકાન છે એટલે સમજે છે કે વેપારીઓ કેટલી મહેનતથી માલ વેચવા લાવે છે. ત્યારે નજીવી રકમ સાથે વેપારી પોતાનો માલ વેચે અને ગ્રાહક ખરીદે તેની દિવાળી તહેવાર પણ સારી રીતે પસાર થઈ રહ્યો છે. સાથે જ રીતુ બારોટ નામના એક ગ્રાહકનું કહેવું છે કે, ઓનલાઈન ફ્રોડથી બચવા હંમેશાં ઓફલાઈન ખરીદી કરવી સૌથી સારી છે. કારણ કે ઓફલાઈન ખરીદીમાં જેવી વસ્તુ જાઈએ તે આપણે હાથમાં પકડીને સરખી રીતે ચેક કરીને ખરીદી શકીએ છીએ અને જા જરૂર પડે તો રિટર્ન આપવા માટે ઓટીપીની માથાકૂટ રહેતી નથી. માટે ઓનલાઈનની સરખામણીએ ઓફલાઈન ખરીદી સારો વિકલ્પ છે. જેમાં કોઈ પણ જાતની પરેશાની વિના વેપારીઓ માલ બદલી આપે છે.આટલું જ નહીં મુંબઈથી આવેલાં એક ગ્રાહક સોનાલીએ કહ્યું છે કે, તેઓ પોતાની બહેનો માટે આ વખતે ગુજરાતથી તોરણ મોકલી રહી છે. જે ગુજરાતી ભાતીગળ સંસ્કૃતિની ઓળખ હોય તેવાં છે. માર્કેટમાંથી આવી વસ્તુઓ મળી જાય અને સસ્તી પણ હોય એટલે એવી યુનિક વસ્તુઓ ખરીદવા માર્કેટ આવવું જ પડે. વેપારીઓની આને કારણે સારી દિવાળી થાય છે. માર્કેટમાં હાલ અવનવી વસ્તુઓ મળી જાય છે ત્યારે યંગસ્ટર્સ પણ હવે ઓનલાઈન ખરીદી કરવાને બદલે ઓફલાઈન ખરીદી કરતાં જાવા મળે છે. આત્મનિર્ભર ભારત અને સ્વદેશી વસ્તુઓની ખરીદીની મુહિમથી વેપારીઓની દિવાળી સુધરી છે.










































