અમરેલી જિલ્લામાં દિવાળીના પર્વ ટાણે સુરત, અમદાવાદ સહિત દેશમાં વસતા લોકો વતન પરત ફરી રહ્યા છે ત્યારે કાયદા-કાનૂનની સ્થિતિ કથળી હોય તેમ લાગે છે. અમરેલી શહેરમાં યુવકને જાહેરમાં છરીના ઘા મારવામાં આવ્યા હતા. જ્યારે હિંડોરણા ગામે યુવકને જીવતો સળગાવવાની કોશિશ કરવામાં આવી હતી. ગૌતમભાઇ ઉર્ફે શક્તિ મંગળુભાઇ વાળા (કાઠી), (ઉ.વ.૨૦)એ સાજીદ રજાકભાઇ ભટ્ટી, ગોવિંદ દાનાભાઇ ગમારા તથા ગોંડલવાળા જીદ્દી નવાબ સામે ફરિયાદ નોંધાવી હતી. તેના મિત્ર જીગ્નેશભાઇ મકવાણા સાથે આરોપીને અગાઉની બોલાચાલીનું મનદુઃખ થયું હતું. જેના સમાધાન માટે તેમને ફોન કરી બોલાવ્યા હતા. જે બાદ તેમને તથા સાહેદને તમામ આરોપીઓએ એકસંપ કરી ગાળો આપી હતી તેમજ છરી લઇ સાહેદ પાછળ દોડતા તેઓ વચ્ચે પડ્યા હતા. તેમની સાથે ઝપાઝપી કરી હતી અને પેટના ભાગે છરીનો એક ઘા મારી ત્રણ-ચાર ઇંચ જેટલી ઇજા તથા આંતરડા ઉપર ગંભીર જીવલેણ ઇજા કરી પહોંચાડી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ આર.ડી. ચૌધરી વધુ તપાસ કરી રહ્યા છે.બીજા બનાવમાં મૂળ બિહારના ચંદનપુરાના વાલ્મીકિકુમાર રાજેન્દ્ર ઠાકુરે રાજુલાના શિવો વાલાભાઈ ધાખડા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમનો ટ્રક હિંડોરણા ગામે ચોકડી ઉપર આવેલા પેટ્રોલપંપ પર ઉભો રાખ્યો હતો. તેઓ કેબિનમાં હોવા છતાં તેમને જીવતો સળગાવી મારી નાખવાના ઈરાદે ટ્રક ઉપર પેટ્રોલ છાંટી ટ્રક સળગાવી દઈ તેમને જાનથી મારવાની કોશિશ કરી હતી. તેમજ પેટ પર પાટુ મારી બેફામ ગાળો આપી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઈ એ.ડી. ચાવડા બનાવની વધુ તપાસ કરી રહ્યા છે.









































