(૧) કાન કુંવર કોને કહેવાય?
કનુભાઈ લિંબાસિયા ‘કનવર’ (ચિત્તલ હાલ કેનેડા)
બીજા ગમે એને કહેજો પણ કાનમાં ભૂંગળી ભરાવી ભરચક ટ્રાફિકમાં રસ્તા વચ્ચે ચાલ્યો જતો હોય એને તો ન જ કહેતા!
(૨) દિવાળી અને હુતાશણી બન્ને સરખા પ્રકાશના તહેવારો છે. આપને ક્યા તહેવારમાં અનેરો આનંદ અનુભવાય છે?
ડાહ્યાભાઈ આદ્ગોજા (લીલિયા મોટા)
મારે આઠે પહોર અનેરો આનંદ છે.
(૩) મોટરસાઇકલ પર ડબલ સવારી જતા હોઈએ ત્યારે બન્નેના માથા નાના હોય તો એક હેલ્મેટમાં બેયના માથા નાખી શકાય?
રામભાઈ પટેલ (સુરત)
હેલ્મેટમાં હજી જગ્યા વધતી હોય તો એકાદું છોકરું પણ ભેગુ લઇ લેવું.
(૪) હવે લગ્નની સિઝન શરૂ થશે. તમે ઘોડી રાખો છો કે નહિ ? જો રાખતા હોય તો અમે ભાડે લઈ જઇશું.
રાજુ એન. જોષી (ધરાઈ બાલમુકુંદ)
આમાં તમે ઘોડી લઇ જઇશું એમ લખ્યું છે પણ પાછી આપી જઈશું એમ નથી લખ્યું એટલે ભરોસો ન કરાય!
(૫) મને આખો દિવસ એટલા બગાસાં આવે છે કે ગણી શકાતા નથી. શું કરવું?
દર્શન પટેલ (વડોદરા)
બગાસાં ગણવાવાળો માણસ ભાડે રાખી લો.
(૬) તમને તમારી કોલમથી સંતોષ છે?
ધવલભાઈ પાનવાળા (રાજકોટ)
ન હોય તોય કાઈ બીજાની કોલમ ભાડે ન લેવાય!
(૭) હું મુંબઈમાં અમિતાભ બચ્ચનના બંગલા પાસે બંગલો લેવાનું વિચારું છું. કેમ થશે?
જય દવે (ભાવનગર)
વિચારો, વિચારવામાં અમિતાભ બચ્ચન ના નહિ પાડે!
(૮) આ દિવાળી પર ફટાકડા ફોડ્યા કે જોયા..!
ધોરાજીયા ઘનશ્યામભાઈ એન (સાજણટીંબા)
દુકાનમાં જોયા, ઘેર આવીને ફોડ્યા.
(૯) તમને ગામડામાં મજા આવે કે શહેરમાં?
ધોરાજીયા કેવિન ઘનશ્યામ (સાજણટીંબા હાલઃકેનેડા)
પૈસા હોય ત્યાં સુધી શહેરમાં, ખૂટી જાય એટલે ગામડામાં!
(૧૦) સાહેબ! નવા વર્ષમાં સવાલના જવાબ શોધવા માટે ક્યાં જવાના છો?
ધોરાજીયા ચંદ્રકાંત એન. (સાજણટીંબા)
માતાજીની દયાથી મારે જવાબ શોધવા ક્યાંય જવું પડતું નથી, જવાબ જ મને શોધતાં શોધતાં આવી જાય છે.
(૧૧) શિયાળામાં લોકો તડકો શોધતાં હોય અને ઉનાળામાં તડકાથી દૂર ભાગે એમ કેમ?
રાજેશ ડણાક (અમરેલી)
ગરજ સરી એટલે વૈદ વેરી.
(૧૨) વેકેશન માત્ર શિક્ષકોને જ કેમ મળે છે?
પી.પી.હરણેશા (બાબરા)
વેકેશનમાં કામગીરી પણ શિક્ષકોને જ મળે છેને!
(૧૩) હાથ હલાવ્યા વગર કેમ બહુ દોડી શકાતું નથી ?
કનુભાઈ પરમાર (દામનગર)
આ સવાલ પૂછતા પહેલા ઘરમાં હાથ હલાવ્યા વગર દોડવાની ટ્રાઇ કરી લીધી હશેને?!
(૧૪) દિવાળી તો ગઈ, હવે?
ઉન્નતિ મહેતા (રાજકોટ)
મારા મામાના લદનમાં જલુલને જલુલ આવજો!
(૧૫)સ્વર્ગમાં જવાનો શોર્ટ રસ્તો ગૂગલ મેપમાં મળશે?
જયશ્રીબેન બી. મહેતા (કોટડાપીઠા)
સાચું કહેજો, નવો મોબાઈલ લીધો છેને, હે ને?!
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..