દિવાળી તહેવારોનો રાજા કહેવાય છે. પ્રાથમિક શાળાની ગુજરાતી નિબંધમાળાનું આ વાક્ય ક્યારેય ન ભુલાય એવું છે. રાજાનો ઠાઠ અલગ હોય, તેનો માભો અનન્ય હોય અને તેનો પ્રભાવ ચોતરફ વ્યાપેલો હોય. દિવાળીનું વર્ચસ્વ પણ ભારતીયોની જિંદગીમાં એવું જ રહ્યું છે. ઉત્સવ શ્રેષ્ઠ એવી દિવાળીનું આગમન વર્ષમાં એક વખત થાય અને એ યાદગાર બની જાય. લોકકહેવતોમાં પણ દિવાળી વિશેષ મહત્વ ધરાવે છે.
દિવાળી એ ફક્ત તહેવાર ન રહેતા વ્યક્તિના અનુભવનું એકમ બની જાય છે. જેણે વધુ દિવાળી જોઈ હોય એનો આદર કરવાની આપણી જૂની પરંપરા રહી છે. આમ તો એ વિક્રમના વરસનો છેલ્લો દિવસ છે. પરંતુ રામ વનવાસેથી અયોધ્યા પાછા આવ્યા એનો આ ખરો લોકોત્સવ છે. ભારતીયોના પંચાંગની વર્ષગાંઠ સમાન આ તહેવાર બધાને સ્પર્શે છે. અમેરીકન પ્રેસિડેન્ટના નિવાસસ્થાન વ્હાઇટ હાઉસમાં પણ દિવાળીની ઉજવણી શરૂ થયા પછી દિવાળી સાચા અર્થમાં આંતરરાષ્ટ્રીય તહેવાર બની ગયો છે. દિવાળીનો ઠાઠ ઓસર્યો નથી કારણ કે જે કામ સરકાર ન કરી શકે એ આ તહેવાર કરી શકે. તે કામ એટલે બજારમાં તેજી લાવવાનું શુભકાર્ય.
પરમ અંધકારમાંથી પરમ ઉજાસ તરફ દોરી જતો આ ઉત્સવ આથક બાબતોમાં પણ ચમક લાવે છે. દિવાળીને કારણે રહેઠાણનું જ રિનોવેશન નથી થતું, અર્થતંત્રનું પણ રિનોવેશન થાય છે. દર વર્ષની જેમ આ વર્ષની દિવાળી પણ માર્કેટમાં ગરમી લાવવા માટે સફળ થઈ છે. લોકો મંદીને તો અવગણી શકતા નથી પણ એને બાજુ ઉપર મૂકીને બજારમાં તો ચક્કર મારવા ચોક્કસ નીકળ્યા છે.
અર્થશાસ્ત્રનો નિયમ છે કે માર્કેટની ગાડીની સ્પીડ વધારવા માટે પેસેન્જરોની સંખ્યા વધારવી. લોકોની ખરીદશક્તિ ભલે સુષુપ્ત હોય પણ જો તેઓ બજારમાં નીકળે તો એની બજાર ઉપર હકારાત્મક અસર પડે જ. અત્યારે મંદીનો માર બહુ અનુભવાતો નથી એનું એક મહત્વનું કારણ બજારમાં ઉભરાતી ભીડ પણ છે. જે ભલે ગયા વર્ષની સરખામણીમાં ઓછી ખરીદી કરે તો પણ કોમામાં સરી રહેલા અર્થતંત્રમાં થોડો પ્રાણ તો ફૂંકે જ.
દિવાળી માર્કેટ સાથે કઈ રીતે સંકળાયેલી છે એનું ગણિત રસપ્રદ છે. માની લો કે દિવાળી ઉપર કોઈ માણસ કઈ ખરીદી કરવાનું નક્કી કરતા નથી અને તે માત્ર સાદાઈથી દિવાળીને આવકારવા માંગે છે. પણ આ જ સમય દરમિયાન તે ઘરની સફાઈ કરાવશે અને ઘરમાં જમા થયેલા ભંગાર-પસ્તીનો નિકાલ કરશે. સફાઈ પણ મોટાભાગે સફાઈકર્મીઓ દ્વારા થતી હોય છે. તો સૌપ્રથમ પૈસો ગરીબી રેખાની સહેજ જ ઉપર રહેતા લોકો પાસે આવ્યો.
દરેક ઘરમાં નાસ્તા બને. કરિયાણા અને શાકભાજીની સિસ્ટમના ચક્રોએ વધુ ગતિ પકડી. આથક દ્રષ્ટિએ સાવ ઓછી કેપેસિટી ધરાવતા લોકો પાસે પૈસો આવ્યો. જો તેઓએ આખું વર્ષ કામ કર્યું હોય તો બોનસ પણ મળે. આ વર્ગની ખરીદશક્તિ તતપુરતી વધી ગઈ. આ પૈસો સીધો કન્ઝયુમર માર્કેટમાં ઠલવાશે. જેમાં કટલેરી, હોઝિયરી, ગારમેન્ટ્‌સ અને કંદોઈ-ફરસાણના બિઝનેસ પણ આવી ગયા.
નીચલા લેવલથી લાગેલો ધક્કો ધીમે ધીમે ઉપર સુધી પહોચશે. અર્થતંત્રના સમીકરણો આટલા સાદા નથી હોતા. તે બહુ સંકુલ હોય છે. પણ તેનો સુગમ આલેખ આવો જ કઇંક હોય. એમાં હવે તો ઇ-કોમર્સ વેબસાઈટનો જમાનો છે. ઓનલાઇન ખરીદી બીજી જ રીતે માર્કેટને ધક્કો મારતી હોય છે. ઓનલાઇન ખરીદી ઈમ્પોર્ટ, એક્સપોર્ટ, કુરિયર, મેન્યુફેક્ચરિંગ વગેરે ક્ષેત્રોને અસર કરે. ઓનલાઇન ખરીદીને કારણે દરેક ધંધામાં સ્પર્ધા વધે અને જેનો ફાયદો પ્રજાને થાય. મોંઘી વસ્તુઓ વ્યાજબી ભાવે વેચાવાની ફરજ પડે. સરવાળે ઘણા બધા ચક્રો દોડતા થાય જેને કારણે અર્થતંત્રની ગાડી પુરપાટ આગળ વધે.
છેલ્લા ઘણા સમયથી દિવાળીને કારણે પ્રવાસન ક્ષેત્ર પણ સમૃદ્ધ થતું રહ્યું છે. આંતરદેશીય અને આંતરરાષ્ટ્રીય યાતાયાતમાં વધારો થાય. ટેક્સથી લઈને હોટેલ બુકીંગ સુધી બધે ટ્રાન્ઝેક્શન વધી જાય. ઓનલાઇન પેમેન્ટમાં બેંકોને પણ ફાયદો થવાનો. દિવાળીની રજાઓમાં ફરવા જવાનો ક્રેઝ વધ્યો છે. પ્રવાસન ક્ષેત્ર ભારતમાં બહુ મજબૂત નથી. અમુક રાષ્ટ્રો એવા છે જે ફક્ત પ્રવાસન પર નભતા હોય છે.
દુબઇ શહેર પાસે કુદરતનો એવો તો કોઈ મહાન ખજાનો ન હોવા છતાં તેની જાહોજલાલી પ્રવાસીઓને કારણે જળવાયેલી છે. મેડિકલ ટુરિઝમની જેમ દિવાલી ટુરિઝમની શાખા વિકસાવવાની જરૂર છે. દિવાળીનો અનુભવ કરાવવા માટે વિદેશી સહેલાણીઓને આકર્ષી શકાય તો ભારતને એના અર્થતંત્રને ઘણો ફાયદો થાય. ફક્ત રણોત્સવ ઉપર જ ફોકસ રાખવા કરતા દિવાળી તહેવારને મોટી ઇન્ટરનેશનલ બ્રાન્ડ બનાવી શકાય.
ઓટોમોબાઇલ ક્ષેત્ર તો ઘણા મહિનાઓથી આઈસીયુમાં છે. દિવાળીનો આભાર હજા કે તેને કારણે ઓટોમોબાઇલ સેકટર ઇન્ટેન્સીવ કેર યુનિટમાંથી જનરલ
વોર્ડમાં શિફ્ટ થઈ શક્યું. લોકો દ્વિચક્રીય કે ચતુષચક્રીય વાહનની ખરીદી પણ દિવાળીના શુભ અવસર પર કરે છે. દિવાળી ઉપર પૂજા કરાવવાના અવસરો પણ વધી જતા હોય છે